અક્ષત ઈરાનીની ડેબ્યુ ફિલ્મ ‘મિસ્ટર કલાકાર’ ની ફિલ્મ સમીક્ષા

0
190

ગુજરાતના જાણીતા અભિનેતા ફિરોઝ ઈરાની દ્વારા સૌ પ્રથમ દિગ્દર્શિત ગુજરાતી ફિલ્મ ‘મિસ્ટર. કલાકાર’ 15 નવેમ્બરથી રિલીઝ થઈ છે.  આ ફિલ્મથી ફિરોઝ ઈરાનીના દિકરા અક્ષત ઈરાનીએ ગુજરાતી ફિલ્મ જગતમાં પદાર્પણ કર્યું છે.

ફિલ્મની વાર્તા પર નજર કરીએ તો.. નાનપણથી જ કલાકર બનવાનું સપનું જોતો જીગર (અક્ષત ઈરાની) મોટો થઈને એક સફળ કલાકાર બનીને ઓસ્કર મેળવવા ઈચ્છે છે. પરંતુ તેનું નસીબ તેને સાથ નથી આપતું. લીડ રોલની શોધમાં રહેતાં જીગરને હંમેશા કોમર્શિયલ એડ કે થિયેટર વર્કથી જ સંતોષ કરવો પડતો હોય છે. જીગરના પિતા (મનોજ જોષી) ઈચ્છે છે કે તેમનો દિકરો પણ તેમની જેમ વકીલ બને. પરંતુ જીગર લૉ ની પરીક્ષામાં હંમેશા ફેલ થાય છે. એક ફિલ્મમાં સાઈડ રોલ કરતી વખતે સેટ પર કંઈક એવું થાય છે જે જીગરને કોર્ટરૂમ તરફ દોરી જાય છે. અને ત્યાંથી શરૂ થાય છે જીગરની લાઈફનો સંઘર્ષ.

ફિલ્મમાં મુખ્ય વાર્તાની સાથે સાથે અનેક નાની નાની વાર્તાઓ પણ ચાલે છે.. જેમકે પત્રકારત્વના ખરાબ અને સારા બંને પાસા દર્શાવ્યા છે. તો સાથે બેંક સાથે છેતરપીંડી, નેતાઓનો ભ્રષ્ટાચાર, ચોપડા પર રહેતાં સરકારી કામકાજ, ખોટુ બોલીને કેસ નહીં જીતવાની નેમ ધરાવતો એક ઈમાનદાર વકીલની કહાની જેવી અનેક વાર્તાઓ સમાજનું પ્રતિબિંબ છતુ કરે છે.

ફિલ્મમાં લીડ રોલમાં અક્ષત ઈરાનીની સામે પૂજા ઝવેરી કે જે એક ન્યુઝ ચેલનમાં પત્રકાર હોવાની સાથે જીગરની ગર્લફ્રેન્ડની ભૂમિકામાં છે. જીગરના પિતાના રોલમાં દિગ્ગજ અભિનેતા મનોજ જોષીની એક્ટિંગ દમદાર છે. ફિરોઝ ઈરાની ફરી એક વખત ફિલ્મમાં વિલનના પાત્રમાં જામે છે. જય ભટ્ટ એક કરપ્ટ પત્રકારની ભૂમિકા ભજવી રહ્યાં છે. રાગી જાની જીગરના મામાના પાત્રમાં અને ભાવિની જાની જજના પાત્રમાં કોમેડી રોલમાં છે. આ સિવાય જીજ્ઞેશ મોદી, મનાલી સેવક, મયુર ચૌહાણ અને આદિ ઈરાનીએ પણ મહત્વની ભૂમિકા ભજવી છે.

ગુજરાતી સિને જગતમાં આ પહેલાં પણ કોર્ટરૂમ પર અનેક સ્ટોરીઝ બની છે. જે ઘણી સફળ પણ રહી છે. પરંતુ મનોજ આહીર પ્રોડક્શન્સ હેઠળ બનેલી ‘મી. કલાકાર’ની વાત કરવામાં આવે તો આ ફિલ્મની વાર્તા કોર્ટરૂમની સાથે સાથે એક મહત્વકાંક્ષી યુવકના સપનાની પણ વાત છે. પરંતુ ફિલ્મની વાર્તા લખવામાં ક્યાંક ચુક રહી ગઈ હોય તેવું લાગે છે. કેમકે ફિલ્મના અંતે મુખ્ય કલાકારને કોઈ સફળ અભિનેતા કે સફળ વકીલ દર્શાવ્યો નથી.  ફિલ્મના ડાયલોગ્સ પણ જોઈએ એટલા દમદાર નથી. જોકે ફિલ્મનું મ્યુઝિક ખુબ સારુ છે. ઓસમાન મીર, દર્શન રાઠોડ, ઐશ્વર્યા મજમુદારના અવાજે જાદુ પાથર્યો છે. સ્ક્રીન પ્લે નબળો છે. કેમેરા વર્ક અને એડિટીંગ સારૂ છે.

ફિલ્મના અંતે કોર્ટરૂમમાં મનોજ જોષીનો એક સીન છે. જે ખરેખર અદભૂત છે. તેમાં મનોજ જોષીની એક્ટિંગ દર્શકોને તાળીઓ પાડવા માટે મજબુર કરી દેશે. તેથી આ ફિલ્મ એક વખત તો જોવી જ જોઈએ.

અક્ષત ઈરાનીની આ પ્રથમ ફિલ્મ છે. તેથી તેણે હજુ મહેનત કરવાની જરૂર છે. ગુજરાતી સિનેમાનો આ ચોકલેટી બોય જો થોડીક મહેનત કરશે તો ઈમોશનલ સીન્સમાં પણ જરૂરથી જામશે.