ફિલ્મ રિવ્યું : ભારતીય સિનેમાની શ્રેષ્ઠ ફિલ્મ ‘હેલ્લારો’

0
666

ભારતમાં એવી અનેક લોકકથાઓ અને વાર્તાઓ છે જે આપણા અંતરાત્માને સ્પર્શી જાય અને આપણા મનને હચમચાવી મુકે, પરંતુ આવી વાર્તાઓને મોટા પડદા પર લાવીને તેની સાથે ન્યાય કરવાવાળા નિર્માતાઓ ઘણાં ઓછા છે. તાજેતરમાં જ રિલીઝ થયેલી અને રાષ્ટ્રીય પુરસ્કાર મેળવનાર ગુજરાતી ફિલ્મ હેલ્લારો પણ એક લોકકથાથી પ્રેરિત છે.

એક લોકકથાને આધાર બનાવીને ફિલ્મના નિર્માતા અભિષેક શાહે મહિલાઓની વેદના અને તેમની સંવેદનાઓને આસપાસ ફરતી કહાની હેલ્લારો રચી છે. ભુજની એક છોકરી મંજરીના લગ્ન કચ્છના એક નાનકડા ગામમાં થાય છે, આ ફિલ્મની વાર્તા તેની આસપાસ ફરે છે. મંજરી પોતાના જીવનને ઉત્સાહ અને ખુલ્લા દિલથી જીવવા માંગે છે અને જીવનમાં આગળ વધવા માંગે છે. પરંતુ જે ગામમાં મંજરીના લગ્ન થાય છે ત્યાં મહિલાઓ માત્ર ભોગ વિલાસની  જ વસ્તુ છે.

એક દિવસ મંજરી અને તેના ગામની અન્ય મહિલાઓ ગામથી દૂર આવેલા તળાવમાંથી પાણી ભરીને પાછી ફરી રહી હોય છે ત્યારે અચાનક તેમને રસ્તામાં ભુખ અને તરસથી તડપી રહેલો એક ઢોલી દેખાય છે. કોઈ પણ મહિલા ગામની મર્યાદાને છોડીને આ ઢોલીને પાણી પીવડાવાની હિંમત નથી કરી શકતી. પરંતુ મંજરી મર્યાદાને નેવે મુકીને આ ઢોલીને પાણી પીવડાવે છે અને ત્યાંથી શરૂ થાય છે પરિવર્તનની લહેર. હવે ગામની બધી જ મહિલાઓ પાણી ભરવાને બહાને રોજ ત્યાં છાનામાના ગરબા રમવા આવે છે. ખુલ્લા આકાશની નીચે ગરબા રમતી મહિલાઓ પોતાની અંદર ખોવાઈને આનંદિત થઈ જાય છે. પરંતુ એક દિવસ અચાનક તેમની ખુશીઓને નજર લાગી જાય છે. ગરબા રમવાની વાત ગામના પુરૂષોને ખબર પડે છે. અને ત્યાર બાદ જે થાય છે તેના માટે તમારે હેલ્લારો જોવી પડશે.

ફિલ્મ નિર્દેશક અભિષેક શાહનું કામ પ્રશંસાપાત્ર છે. દરેક પાત્ર સાથે યોગ્ય ન્યાય કર્યો છે અને ફિલ્મને બજારવાદના પ્રભાવથી દૂર રાખી છે. ગંભીર વાર્તાને મનોરંજક રીતે કહેવા માટે કોમેડી સીનનું પણ યોગ્ય રીતે ફિલ્માંકન કર્યું છે અને તેને યોગ્ય જગ્યાએ ફીટ કર્યા છે.

છાનામાના ગરબા રમતી મહિલાઓની ચોરી પકડાઈ જવા પર તેમના શરીરમાં થતી પ્રથમ પ્રતિક્રિયા ‘ધ્રુજારી’ ને કેદ કરનારા, ગરબા કર્યા બાદ મહિલાઓની અંદરની ખુશીને તેમના ચહેરા અને હાવભાવથી પ્રગટ કરનારા, મહિલાઓની સાથે થનાર મારઝુડના સીનને અવાજ દ્વારા દર્શકોનાં દિલ સુધી પહોંચાડનારા અને અપશુકન જેવા સીન, મ્યુઝીક અને નૃત્યનું જબરજસ્ત કોમ્બિનેશન હૃદયને સ્પર્શી જાય છે અને એક ઊંડી છાપ છોડી જાય છે.

શ્રદ્ધા ડાંગર મંજરીના પાત્ર માટે શ્રેષ્ઠ પસંદ છે. મૌલિક નાયકે પોતાના પાત્ર સાથે યોગ્ય ન્યાય કર્યો છે. જેવો મૌલિક નાયક પડદા પર આવે છે તેવું જ દર્શકોનાં મોઢા પર હાસ્ય છવાઈ જાય છે. જયેશ મોરેએ ઢોલીના પાત્રને ખુબ જ દિલથી ભજવ્યું છે. અર્જન ત્રિવેદી પણ કડક સ્વભાવના પતિના રોલમાં પરફેક્ટ જામે છે. સાથે જ તમામ અન્ય કલાકારોએ પણ શ્રેષ્ઠ અભિનય કર્યો છે.

ફિલ્મનું નૃત્ય અને ગીત સંગીત બંને અદભૂત છે. ફિલ્મનું સંગીત ટેકનીકલ રીતે ખુબ જ મજબુત છે જે ફિલ્મની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. હેલ્લારો જેવી ઉમદા કહાની માટે ઉમદા સિનેમેટોગ્રાફર જરૂરી હતો જે  ફિલ્મમાં છે.

એટલે જ તો હેલ્લારો માત્ર ગુજરાતી સિનેમાની જ નહીં પરંતુ ભારતીય સિનેમાની એક શ્રેષ્ઠ ફિલ્મ છે.