મુવી રિવ્યું: જાણો કેવી છે પ્રથમ ગુજરાતી સ્પોર્ટ્સ ફિલ્મ ‘ગુજરાત 11’

0
302

એક પોલીસ ઓફિસર જ્યારે ઈમાનદારીથી પોતાની ફરજ બજાવે ત્યારે તેને ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડતો હોય છે. ‘ગુજરાત 11’ની વાર્તા પણ અહીંથી જ શરૂ થાય છે.

ફિલ્મની શરૂઆત દિવ્યા ચૌહાણ (ડેઈઝી શાહ)ના એક્શન સીનથી થાય છે. જે એક ઈમાનદાર અને કર્તવ્યનીષ્ઠ પોલીસ ઓફિસર છે અને તે એક ડ્રગ્સના આરોપીને ઝડપી પાડે છે. જોકે આ આરોપી નેતાનો ભત્રીજો હોવાથી દિવ્યા પર તેને છોડવાનુ દબાણ થાય છે. અને ત્યાર બાદ જેમ દરેક ઈમાનદાર પોલીસ ઓફિસર સાથે થાય છે તેવી જ રીતે દિવ્યાની પણ ટ્રાન્સફર થઈ જાય છે. જોકે આ ટ્રાન્સફર દિવ્યા માટે એક નવી તક લઈને આવે છે.

જુવેનાઇલ જસ્ટીસ હોમના બાળકોના કેસ જોવાની સાથે સાથે દિવ્યા આવા અપરાધી બાળકોની એક ફૂટબોલ ટીમ બનાવે છે. અપરાધી માનસિકતા ધરાવતા બાળકોમાં સ્પોર્ટ્સ પ્રત્યે રૂચી ઉત્પન્ન કરીને તેમનામાં ટીમ સ્પિરીટ જગાડવો એ દિવ્યા માટે મોટો પડકાર હોય છે. તો કેવી રીતે દિવ્યા આ પડકારનો સામનો કરે છે અને કેવી રીતે આ બાળકોના બાળમાનસમાંથી અપરાધભાવ મુક્ત કરે છે તેની આ જર્ની છે.

ફિલ્મનું કન્ટેન્ટ એકદમ સ્ટ્રોંગ છે. જેને ફિલ્મના ડાયરેક્ટર અને લેખક એવા જયંત ગિલાટરે ખુબ જ સુંદર રીતે વર્ણવી છે. ફિલ્મમાં ડેઈઝી શાહનો રોલ ખરેખર પ્રશંસાપાત્ર છે. તો પોલીસ કોન્સ્ટેબલ પંચાલના રોલમાં કેવિન દવે એકદમ પરફેક્ટ છે. જે પોતાના મહેસાણી લહેકામાં દર્શકોને હસાવવામાં સફળ રહ્યાં છે. પંચાલની એન્ટ્રીથી લઈને તેના દરેક ડાયલોગ દર્શકોને હસાવવામાં સફળ છે. જોકે ઈમોશનલ સીનમાં પણ કેવિન દવે દર્શકોને ભાવુક કરી દે છે. દિવ્યાનો નાનપણનો પ્રેમી નિર્મલ એટલે કે પ્રતિક ગાંધી. તેણે પ્રેમીનું પાત્ર સારી રીતે ભજવ્યું છે. જુવેનાઇલ હોમના સુપ્રીટેન્ડેન્ટ રણિંગા (ચેતન દૈયા)નું નેગેટીવ પાત્ર ફિલ્મમાં વિલનની કમીને પુરી કરે છે. નેગેટીવ પાત્રમાં ચેતન દૈયાનો રોલ ખુબ દમદાર છે. તો આ સાથે જ ફિલ્મમાં ફૂટબોલ પ્લેયર તરીકે પાત્ર ભજવતાં દરેકે દરેક કલાકારે પણ ખુબ સુંદર અભિનય કર્યો છે.

મ્યુઝીક ડાયરેક્ટર રૂપકુમાર રાઠોડે એક સ્પોર્ટ્સ ફિલ્મને અનુકૂળ મ્યુઝીક આપ્યું છે. ફિલ્મનો સ્ક્રીન પ્લે, સિનેમેટોગ્રાફી, ડાયલોગ્સ એકદમ પરફેક્ટ છે. ફિલ્મમાં એકપણ સીન નકામો કે બોરિંગ લાગતો નથી. ફિલ્મમાં કોમેડી, ઈમોશનલ, ડ્રામા, લવ સ્ટોરી બધુ જ છે. ડેઈઝી શાહનો એક્શન સીન પણ એકદમ નેચરલ લાગે છે. આ સાથે જ ડાયરેક્ટર જયંત ગિલાટરે અપરાધી બાળકોનો વ્યવહાર, અપરાધી બાળકો પ્રત્યે સમાજની અને પરિવારની માનસિકતા, હારી ગયેલી દિકરીને માતા દ્વારા આપવામાં આવતી હિંમત જેવી અનેક ઘટનાઓને ખુબ સરસ રીતે રજૂ કરી છે.

નેગેટીવ પાસુ : ‘ગુજરાત 11’ની વાર્તા બોલિવૂડ ફિલ્મ ‘ચક દે ઇન્ડિયા’ થી પ્રેરિત હોય તેવું લાગે છે. ફિલ્મના મધ્યાંતર બાદની વાર્તા દર્શકોને પહેલેથી જ સમજાઈ જાય છે. ફિલ્મનો અંતિમ સીન પણ ચક દે ઇન્ડિયાની કોપી જ લાગે છે.

જોકે સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપતી આ ફિલ્મ સમાજને પણ ખુબ સારો સંદેશ આપે છે. આ ફિલ્મ થિયેટરમાં ચોક્કસ જોવા જેવી છે.