દર્શકોનો પ્રેમભાવ એવોર્ડ કરતાં પણ વધારે : હેપ્પી ભાવસાર

    0
    70

    નાટકોથી શરૂઆત કરી ફિલ્મોમાં મહત્ત્વનું યોગદાન અને યાદગાર ભૂમિકા ભજવનાર હેપ્પી ભાવસારે ફિલ્મીકાફે સાથે ખાસ મુલાકાત કરી અને તેમના જીવન અને યાદગાર પ્રસંગોને વર્ણવ્યાં હતા

    અભિનય અને પોતાના રોલ પર ખાસ ધ્યાન આપતાં ગુજરાતી ફિલ્મોનાં વિદ્યા બાલન એટલે હેપ્પી ભાવસાર. હેપ્પી કહે છે કે, ‘જો તમારામાં ટેલેન્ટ હશે તો તમને કોઈ રોકી નહીં શકે. માત્ર સુંદરતા તમને સફળતા નહીં અપાવી શકે, દેખાવ કરતાં અભિનય પર ધ્યાન આપીએ તો સ્કાય ઈઝ ધ લિમિટ છે.

    હેપ્પી ભાવસારે શરૂઆત નાટકોથી કરી, પરંતુ તેની સિરિયલ શ્યામલીમાં લજ્જાના પાત્રથી તેને ભરપુર સફળતા મળી. રાગી જાનીના નાટક પ્રિત, પિયુ અને પાનેતરમાં હેપ્પીએ મંગળાની ભૂમિકામાં એપિસોડ કામ કર્યું તેના પરથી જ તેમનો નાટ્યજગતમાં અનુભવ જાણી શકાય છે. હેપ્પીએ હાલમાં જ મહોતું નામની શોર્ટ ફિલ્મથી ફરી એકવાર લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. 

    પ્રેમજી ધ વોરિયરમાં પ્રેમજીની  માતાના રોલમાં પણ હેપ્પીએ પ્રાણ ફૂંકી દીધા હતા, જ્યારે મોન્ટુ કી બિટ્ટુમાં હેપ્પી એક નવા જ અવતારમાં જોવા મળી રહ્યાં છે. ફિલ્મ મોન્ટુ કી બિટ્ટુમાં માધુરીનાં મોટાં ફેન એવાં હેપ્પીમાં માધુરીની ઝલક જોવા મળશે. અર્બન ગુજરાતી ફિલ્મોની સફળતા અંગે હેપ્પીએ જણાવ્યું કે ‘અભી તો શૂરૂઆત હૈ, આગે-આગે દેખો હોતા હૈ ક્યા? ગુજરાતી સિનેમાના વિકાસથી ખરેખર કલાકાર જગતમાં એક નવો જુસ્સો ઉમેરાયો છે.

    પોતાની સિરિયલ શ્યામલીમાં હેપ્પીએ લજ્જાનું પાત્ર ભજવ્યું હતું, જે મુખ્ય પાત્ર શ્યામલી પર પણ ભારે પડ્યું હતું, જે અંગે હેપ્પી જણાવે છે કે, ‘ક્યારેક એવું થતું હોય છે કે મુખ્ય કેરેક્ટર કરતાં સાઈડ કેરેક્ટર વધુ હાઈલાઈટ થઈ જાય. શ્યામલી સિરિયલમાં દર્શકોનો ખોબલેને ખોબલે પ્રેમ મને મળ્યો હતો, જે મારા માટે કોઈપણ એવોર્ડ કરતા અધિક છે.