“હેલ્લારો” અભિનેત્રી જાગૃતી ઠાકોર સાથે વિશેષ વાતચીત

    0
    94

    66મો નેશનલ એવોર્ડ મેળવનાર હેલ્લારો ફિલ્મની અભિનેત્રી જાગૃતી ઠાકોર પોતાના અવિસ્મરણીય સ્મરણો વાગોળે છે. તેમની સાથે થયેલી વાતચીતનાં કેટલાંક અશો.

    હું સહિયર લોકકલા સંસ્થાન જે ગુજરાત લોકકલા ફાઉન્ડેશન સાથે જાડાયેલું હતું ત્યાં ડીરેક્ટર હતી. લગભગ ૨૨ વર્ષ સુધી ત્યાં હું ફોક ડાન્સ, હુડો  રાસ, ગરબી, ટિપ્પણી, લાવણી, રાસ, ગરબી, મંજીરા, ભાંગડા, બીહુ, આદિવાસી નૃત્ય, કચ્છી રાસ, કાલબેલીયા, કથરોટ વગેરે લોકનૃત્યો શીખવાડતી હતી. અમારી સંસ્થાએ લગભગ ૩૦ જેટલા એવોર્ડ પણ જીત્યા છે. કાંકરીયા તળાવ અને વાઇબ્રન્ટ ગુજરાતમાં સહિયર સંસ્થાન દ્વારા અમે પરફોમન્સ કર્યા છે. મને મારા ગરબા ગ્રુપમાં ખૂબ સફળતા મળી હતી એક ગ્રુપના સંચાલીકા તરીકે. આમ કહેવાય કે હું સ્ટેજ પરફોરમન્સ સાથે તો સંકળાયેલી જ હતી.

    ૨૦૦૨માં જાણીતા મેગેઝીનમાં એક સ્પર્ધા યોજવામાં આવી હતી. તેમાં ૩૫ વર્ષ સુધીની ઉંમરની મહિલાઓના ફોટોગ્રાફ્સ મંગાવવામાં આવ્યા હતા. મને થયું કે હું પણ મોકલું અને ત્યારે પ્રથમ વાર મેં ફોટોશૂટ કરાવ્યું. એ સમયે મારી ઉંમર ૩૯ વર્ષની હતી. ત્યાંથી જવાબ આવ્યો કે સ્પર્ધાના નિયમો પ્રમાણે તમારી ઉંમર વધારે છે પરંતુ  અપવાદરૂપ સંજાગોમાં અમે તમારા ફોટોગ્રાફ્સ સામેલ કરશું. ભારતમાંથી ખાસા એવા ફોટોગ્રાફ્સ આવ્યા હતાં જેમાં અમદાવાદમાંથી હું સીલેકટ થઇ ગઇ. આમ કંઇક નવું કરવાની શરૂઆત થઇ.

    આ ફોટોગ્રાફ્સ મારા પતિની ઓફીસમાં તેમના ટેબલ પર રહેતા હતા. ત્યારે તેમના એક ક્લાઇન્ટ તેમને મળવા આવ્યા અને તેમને ફોટોગ્રાફ્સ જાઇ સવાલ કર્યો કે, ‘કોના ફોટોગ્રાફ્સ છે?’ મારા પતિએ જણાવ્યું કે આ મારી વાઇફ છે. તેમના કલાઇન્ટે પૂછ્યું કે, ‘તમારા વાઇફને નાટકમાં કામ કરવું છે?’ ત્યાર બાદ હું નિમેષ દેસાઈને મળી અને રંગભૂમિ ક્ષેત્રે મારી કારકીર્દીની શરૂઆત થઈ. મારા જીવનનું પ્રથમ નાટક ‘હું રૂડી રૂપાળી’ કર્યું. આ ક્ષેત્રમાં હું એક નવી શિખતી અદાકારા હોવા છતાં બધાએ મને ખૂબ જ સાથ અને સહકાર આપ્યો. નાટકના ક્ષેત્રમાં મહેનત અને નિષ્ઠાથી પાત્ર ભજવો તો ચોક્કસ સફળતા મળે છે અને તમારી એક અલગ ઓળખ ઉભી થાય છે.

     કોઇ પણ નવા બદલાવથી દરેક વ્યક્તિના જીવન પર અસર તો પડવાની છે અને  એવી જ રીતે મારા આ પ્રોફેશન ચેન્જના કારણે અનિયમીત જીવન થતાં થોડી અસર તો થઇ જ છે. ગરબા ક્લાસ વખતે હું ટાઇમ મેનેજમેન્ટ કરતી હતી જ્યારે નાટક અને શૂટીંગમાં સમય મર્યાદા નક્કી ન હોય. આ સમયે મારા ફેમીલીનો મને ખૂબ જ સપોર્ટ રહ્યો છે. મારા સાસુ, મારા પતિ અને દિકરાએ પણ મને ખૂબ જ સહકાર આપ્યો. હું કોઇ શો, રિહર્સલમાં વ્યસ્ત હોઉ તો ક્યારેય કોઇ બાબતે તેમણે મને ફરિયાદ નથી કરી. મારું જે કામ હોય એ મારા પતિ અને દિકરો મળીને કરી નાંખે. ઘરના કામનું ભારણ ઓછું કરી મને વધારેને વધારે મહેનત કરવાની પ્રેરણા પૂરી પાડે છે. આમ હું કહી શકું કે મારી સફળતામાં મારા પતિનો સાથ જો મને ન મળ્યો હોત તો આજે હું જે કંઇ છું તે કદાચ આટલી સફળ ન હોત.

    અભિનય ક્ષેત્રમાં મારું સૌથી ગમતું માધ્યમ હોય તો એ છે નાટક. કારણ કે જ્યારે કોઇ વ્યક્તિ નાટક કરે છે ત્યારે તે પોતાની જાતને ભૂલીને નાટકના જે તે પાત્રને આત્મસાત કરે છે એટલે કે એમ કહીં શકાય કે પર કાયા પ્રવેશ કરવો પડે છે. સાથે સાથે નાટકના રિહર્સલમાં પણ ખૂબ મજા આવતી હોય છે. જેમકે વોઇસ મોડ્યુલેશન કરવામાં આવે, આંગિક અભિનય કરવામાં આવે, મ્યુઝીકલ પ્લે હોય તો ડાન્સ અને જો સાયલેન્ટ પ્લે હોય તો ફક્ત હાવભાવ દ્વારા અભિનય કરવામાં આવે. જેના કારણે વ્યક્તિની અંદર રહેલા કલાકારને બહાર આવવાની તક મળે છે. મેં ભજવેલા નાટકોમાં મારું મનપસંદ નાટક ટોલ્સટોયનું, “ધ પાવર ઓફ ડાર્કનેસ” જેનું ગુજરાતી રૂપાંતર “અંધારના સિમાડા” તે છે. આ રૂપાંતર મૂળશંકર ભટ્ટે કર્યું છે. આ સિવાય ‘લલિતા દુખદર્શક’, ‘પપ્પાના પ્રેમ લગ્ન’, ‘એક સપનું બડું શેતાની’ મારા મનપસંદ નાટકો છે.

    મેં 850થી વધારે સ્ટેજ પર્ફોમન્સ આપ્યા છે. 24 જેટલી સીરીયલ, 20 જેટલી ફિચર ફિલ્મ( જેમાં એક ઇંગ્લીશ હોલીવુડ અન 2 હિન્દી ફિલ્મ)કરી છે. 167 જેટલી ડોક્યુમેન્ટ્રીઝ અને ટેલી ફિલ્મ, 42 જેટલી એડ ફિલ્મ, 33 જેટલા ડોક્યુડ્રામા અને 10 જેટલા રેડીયો પ્લે, 11 જેટલી શોર્ટ ફિલ્મો કરી છે.

    મારા યાદગાર પ્રસંગોની વાત કરું તો એક વાર અમારા રીહર્સલમાં ‘અરવીંદ રાઠોડ’ આવેલા જે ગુજરાતી ફિલ્મ અને નાટકના ખૂબ જાણીતા અને દિગજ્જ કલાકાર ગણાય છે. તેમણે અમારી સાથે લગભગ અડધો કલાક હૃદયસ્પર્શી વાતો અને પોતાના અનુભવો જણાવ્યા. તે સમયે થયું કે આજનું જે રિહર્સલ હતું તે જીવન માટે પણ ખૂબ જ ઉપયોગી બની રહેશે. હાલ હું કાચી નિંદરના કાચા સપનાં, ધ્રુવ સ્વામીની દેવી અને કાકાની શશી નામના નાટકો કરી રહી છું.

    • રૂતુલ સુથાર

    Hellaro Actress, Jagruti Thakore, Abhishek Shah, Hellaro Movie, Filmikafe, Gujarati FilmiKafe, Gujarati Movie, Gujarati Cinema,