Movie Review : ગુજ્જુભાઈ મોસ્ટ વોંટેડ – પૈસા વસૂલ અને મનોરંજક ફિલ્મ

0
63

ગુજ્જુભાઈ સિરીઝની નવી ફિલ્મ ગુજ્જુભાઈ ધ મોસ્ટ વોંટેડ નવી વાર્તા સાથે રૂપેરી પડદે આવી.ગુજ્જુભાઈ ધ મોસ્ટ વોટેંડની વાર્તા ગુજજુભાઈ એટલે કે અરવિંદ દિવેટીયાનાં પરિવારની આસપાસ આકાર લે છે.આ પરિવારમાં અરવિંદ અને તેમનો પૂત્ર ખગેશ વધૂ પડતા શાણા છે.

પિતા-પૂત્રનાં વધૂ પડતા આત્મવિશ્વાસનાં કારણે આ પરિવાર વારંવાર નવી મૂસીબતોમાં પડે છે.શોર્ટ કટમાં પૈસા બનાવવાની તેમની મનસા આ બાપ બેટાને આતંકી બનાવી મૂકે છે.આ મૂસીબતમાંથી નિકળવા દિવેટીયા પરિવાર અને બાપ-બેટા અનેક નાટ્યાત્મક પ્રસંગોમાંથી પસાર થાય છે.

સિધ્ધાર્થ રાંદેરિયા અને જીમીત ત્રિવેદીની જોડી ફરી એકવાર શાનદાર અભિનયથી દર્શકોનું ભરપૂર મનોરંજન કરે છે.બંને કલાકાર ખોબલેને ખોબલે હાસ્યરસનું નિરૂપણ કરી રહ્યા છે.સિધ્ધાર્થ રાંદેરિયાનાં પત્ની અને સાસુમાના પાત્રનાં સંવાદો અદભૂત છે અને આ પાત્રોને બખૂબી નિભાવવામાં પણ આવ્યા છે.

અધિકારી વિક્રમ વાઘમોરે અને પ્રિયા રાજ્યગુરૂનાં પાત્રમાં ક્રમશ જયેશ મોરે અને વ્યોમા નાનદીનો અભિનય ધ્યાન ખેંચે છે.નવોદિત અભિનેત્રી હોવા છતાં પણ વ્યોમા નાનદીનો અભિનય ખાસો પરિપક્વ છે.નાગડા બિલ્ડરનાં પાત્રમાં સુનિલ વિશ્રાણીએ પણ ચાર ચાંદ લગાવી દીધા છે.આ સાથે જ ફિલ્મમાં દિવેટીયાનાં પાડોશી, પોલીસ અધિકારી જાડેજા, માનસિક રોગી શાહરૂખ અને ફારૂકનું પાત્ર દર્શકોનાં માનસપટ પર અમિટ છાપ છોડે છે.

આ ફિલ્મ પટકથા અને અભિનયનાં કારણે શાનદાર મનોરંજન કરવા સક્ષમ છે.આ બંને પાસા ફિલ્મને મજબૂત બનાવે છે.ફિલ્મની પટકથાની સાથે સાથે તેનું ફિલ્માંકન અને સંપાદન પણ પ્રશંસનીય છે.આ માટે ફિલ્મનાં દિગ્દર્શક ઈશાન રાંદેરિયા પ્રશંસાનાં હકદાર ચોક્કસ છે.

એક દિગ્દર્શકની ભૂમિકામાં ઈશાન રાંદેરિયાએ દરેક પાત્ર સાથે ન્યાય કર્યો છે.એ કહેવું બિલ્કુલ અતિશ્યોકિત નથી કે આ ફિલ્મ દ્વારા ઈશાન રાંદેરિયાએ પ્રિયદર્શનની કોમેડીનાં માપદંડોને આબેહુબ ગુજરાતી રૂપરી પડદે સફળતાપૂર્વક ઉતાર્યા છે.અને પ્રિયદર્શનની સૂપરહિટ કોમેડી ફિલ્મો જેવું જ સ્તર ગુજ્જુભાઈ ધ મોસ્ટ વોંટેડનું છે.

ફિલ્મનું જમા પાસું એ છે કે ફિલ્મ શરૂઆતથી અંત સૂધી મનોરંજન અને સસ્પેંસ બરકરાર રાખે છે. ફિલ્મની શરૂઆતમાં જ દર્શાવવામાં આવેલો એકશન સીન હોય કે ફિલ્મનાં અન્ય કોમિક સીન હોય આ ફિલ્મનું દિગ્દર્શન અદભૂત છે.

સભ્ય સમાજને શોભે તેવા સ્વચ્છ સંવાદો વાળી ગુજ્જુભાઈ ધ મોસ્ટ વોંટેડ ફિલ્મ મનોરંજક,પારિવારિક અને પૈસા વસૂલ ફિલ્મ છે.

  • કુલવંત હૈપી, અનુવાદ : કૌશિક સિંધવ