જીવનમાં દરેક સંબંધમાં ગોળ જેવી મીઠાશ અને કેરી જેવી ખાટાશ હોય છે. ત્યારે જ તો એ સંબંધ ‘ગોળકેરી’ એટલે કે ગુજરાતી અથાણા જેવો ખટમીઠો બને છે અને વર્ષો સુધી ટકી રહે છે. આ ફિલ્મમાં પણ કંઈક આવું જ છે.
ફિલ્મની શરૂઆત થાય છે ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડના ઝઘડાથી, જે અત્યારે દરેક સંબંધોમાં સામાન્ય રીતે આપણને જોવા મળતું હોય છે. હર્ષિતા (માનસી પારેખ) સ્ટેન્ડ અપ કોમેડીના ક્ષેત્રમાં પોતાનું કેરિયર બનાવવા માંગતી હોય છે. અને સાહિલ (મલ્હાર ઠાકર) હંમેશા તેને કેરિયરમાં આગળ વધવા સપોર્ટ કરે છે. હર્ષિતા અને સાહિલની મુલાકાત એક રેસ્ટોરન્ટમાં થાય છે જ્યાં હર્ષિતા પોતાના જોક્સથી લોકોને હસાવવામાં અસફળ રહે છે. પરંતુ સાહિલ તેને હિંમત આપીને આગળ વધવા કહે છે.
સુંદર મજાના ગીતની સાથે ફિલ્મની વાર્તા આગળ વધે છે. ત્યાર બાદ ફિલ્મની વાર્તા ક્યાંક ફ્લેશબેકમાં તો ક્યાંક વર્તમાનમાં આવી પહોંચે છે. હર્ષિતા અને સાહિલની લવસ્ટોરી બે વર્ષ સુધી બરાબર ચાલે છે. પરંતુ અચાનક બંને એકબીજાથી અલગ થવાનો નિર્ણય લઈ લે છે. જોકે સાહિલના માતા-પિતા બંનેને ફરીથી એક કરવા અનેક પ્રયાસો કરે છે. એકબીજાના પ્રેમમાં ગળાડુબ હર્ષિતા અને સાહિલ વચ્ચે આખરે એવું તે શું થયું હતુ કે બંનેએ એકબીજાથી દૂર રહેવાનું નક્કી કરી લીધુ. તેના માટે તો તમારે ફિલ્મ જોવી રહી.
સાહિલની માતા જ્યોત્સનાબેન (વંદના પાઠક)નો રોલ ખુબ દમદાર છે. તે પોતે ભલે ચાર ચોપડી ભણેલા છે છતાં આજના આ મોર્ડન યુગનો બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડનો કોન્સેપ્ટ સરળતાથી સ્વીકારી લે છે. મોહનભાઈ સુતરિયા (સચિન ખેડેકર) પણ પિતાના રોલ માટે એકદમ પરફેક્ટ છે. પોતાના દિકરા માટે હંમેશા એક મિત્ર બનીને તેની પડખે ઉભા રહે છે. આ બંને કલાકરોનાં હાવ-ભાવ દરેક સીન મુજબ એકદમ પરફેક્ટ છે. માતા-પિતા તરીકેની તેમની ચિંતા સ્પષ્ટ દેખાઈ આવે છે. મલ્હાર ઠાકર અને માનસી પારેખે પણ પોતાના પાત્રને સારો ન્યાય આપ્યો છે.
ફિલ્મનું ડાયરેક્શન એકદમ જબરજસ્ત છે. ડાયરેક્ટર વિરલ શાહે નાની નાની બાબતોનું ધ્યાન રાખ્યું છે. સ્ક્રીન પ્લે અને ડાયલોગ્સ ખુબ જ દમદાર છે. દરેક દર્શકોને સરળતાથી સમજાઈ જાય તેવા ડાયલોગ્સ આજકાલના સંબંધો વિશે પણ ઘણુ બધુ કહી જાય છે. માનસી અને પાર્થિવ ગોહિલે ફિલ્મને પ્રોડ્યુસ કરી છે. ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝીક ફિલ્મને એકદમ અનુકૂળ છે. મીકા સિંઘ અને પાર્થિવ ગોહિલના ગીતો અને મીકાસિંઘનું મ્યુઝીક ફિલ્મને વધારે રોમાંચક બનાવે છે. એકપણ ગીત ક્યાંય નકામુ કે જબરજસ્તીથી ઉમેર્યું હોય તેવું લાગતુ નથી. ફિલ્મમાં એક પણ સીન વધારાનો કે લાંબો હોય તેવો લાગતો નથી.
ઈન્ટરવલ પછી ફિલ્મની વાર્તા વધારે ઈમોશનલ થઈ જાય છે. જેમાં માતા-પુત્ર અને પિતા-પુત્ર વચ્ચેના સંવાદ દર્શકોને ઈમોશનલ કરી દે તેવા છે. ઘરમાં એકબીજાને ટુંકા નામથી કરવામાં આવતું સંબોધન, કોગળા કરવાથી ગુસ્સો ઓછો થઈ જાય, ટીપીકલ માતાના રોલમાં જ્યોત્સનાબેનની લાંબી લાંબી વાતો અને સલાહો, આ બધુ જ એકદમ રીયલ લાગે છે. ફિલ્મના એકપણ સીનમાં દર્શકોને કંટાળો નથી આવતો. ટુંકમાં કહી શકાય કે વિરલ શાહે ઘર ઘરની કહાનીને ખુબ જ સરસ રીતે ફિલ્મી પડદે કંડારી છે. નિષ્ફળ જવાના ડરે કંઈ પણ નહીં કરવાથી સંબંધો પર શું અસર થાય છે તેને પણ ફિલ્મમાં એકદમ સચોટ રીતે દર્શાવી છે.
પારિવારિક મનોરંજન પુરુ પાડતી ફિલ્મ ‘ગોળકેરી’ પરિવાર સાથે ચોક્કસથી થિયેટરમાં જોવા જેવી છે.