ગુજરાતી સિને જગતમાં પ્રથમ વખત સ્પોર્ટસ પર એક ફિલ્મ બની છે, જે છે ‘ગુજરાત 11’. જેનું ધમાકેદાર ટ્રેલર 15 નવેમ્બરના રોજ રિલીઝ થયુ છે.
ફૂટબોલ જેવી સ્પોર્ટ્સ પર બનેલી આ ફિલ્મમાં ડેઈઝી શાહ મુખ્ય પાત્રમાં જોવા મળશે. ગુજરાતી ફિલ્મ જગતમાં પદાર્પણ કરી રહેલી ડેઈઝી શાહ આ ફિલ્મમાં કોચના રોલમાં છે. જે જુવેનાઈલ જસ્ટિસ હોમમાં રહેતાં બાળ આરોપીઓને ફૂટબોલ શીખવવાનો નિશ્ચય કરીને આવે છે અને ત્યાંથી શરૂ થાય છે તેનાં કોચ તરીકેના પડકારો.
ફિલ્મમાં બાળ આરોપીઓને ફૂટબોલ પ્લેયર બનાવીને તેમના જીવનમાં સુધાર લાવવાની વાત છે. તો આ સાથે જ આવા બાળ આરોપીઓને પ્લેયર બનાવવા માટે કોચને કેટલી અડચણોનો સામનો કરવો પડે છે તે પણ દર્શાવાયું છે. બાળકો સરળતાથી કોચને ગાંઠતા નથી પરંતુ કોચ પણ ટીમને જીતાડવાનો નિર્ધાર કરીને આવી છે.
ફિલ્મની સ્ટાર કાસ્ટમાં ડેઈઝી શાહ મુખ્ય કલાકારનું પાત્ર ભજવી રહી છે તો સાથે જ પ્રતિક ગાંધી, ચેતન દહિયા, કવિન દવે જેવા કલાકારો પણ જોવા મળશે. બોલિવૂડ અને ગુજરાતી સિને જગતમાં શ્રેષ્ઠ ફિલ્મો આપી ચુકેલ જયંત ગિલાટર આ ફિલ્મના દિગ્દર્શક અને લેખક છે. તો હરેષ પટેલ, એમ. એસ. જોલી અને જયંત ગિલાટરે ફિલ્મને પ્રોડ્યુસ કરી છે. જાણીતા ગાયક કલાકાર રૂપકુમાર રાઠોડ ફિલ્મમાં સંગીત આપી રહ્યાં છે.
આ ફિલ્મ 29 નવેમ્બેર સિનેમાઘરોમાં રિલીઝ થશે.