13 તારીખનો આંકડો ભલે સામાન્ય લોકો માટે અપશુકનીયાળ હોય.. પરંતુ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે જાણે કે શુકનવંતો હોય તેવું જણાઈ રહ્યુ છે. કેમકે 13 સપ્ટેમ્બરે એક નહીં પરંતુ ત્રણ ત્રણ ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ રહી છે.
13મી સપ્ટેમ્બરે એક આંતરરાષ્ટ્રીય એવોર્ડ વિજેતા ફિલ્મ ‘બજાબા’, એક કોમેડી ફિલ્મ ‘હંગામા હાઉસ’ અને એક નવા જ કોન્સેપ્ટ સાથેની ફિલ્મ ‘’ટિચર્સ ઓફ ધ યર’ રિલીઝ થશે. જ્યાં બજાબા ફિલ્મ બાળ વિવાહ પર પ્રહાર કરે છે. તો બીજી તરફ છે ‘હંગામા હાઉસ’, જેમાં એક ઘરમાં કેટલીક અસમજને કારણે જે પરિસ્થિતિ પેદા થાય છે તેનાથી જે કોમેડી ઉત્પન્ન થાય છે તેના પરની ફિલ્મ છે. તો ત્રીજી ફિલ્મ એક ગંભીર વિષય પરની છે જે શિક્ષક અન વિદ્યાર્થી વચ્ચેનાં સંબંધોને દર્શાવતી ફિલ્મ છે. જે મનોરંજનની સાથે સાથે સમાજને સંદેશ પણ આપે છે.
આમાંથી બે ફિલ્મો વચ્ચે એક સરખામણી છે કે ગુજરાતના જાણીતા એક્ટર ચેતન દૈયા બજાબા અને હંગામા હાઉસ બંને ફિલ્મોમાં જોવા મળશે. તો બીજી તરફ જીતકુમાર હંગામા હાઉસથી ગુજરાતી ફિલ્મ જગતમાં ડેબ્યુ કરશે.
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ પ્રથમ અવસર છે કે ગુજરાતી દર્શકો પાસે એક સાથે મનોરંજનના ત્રણ ત્રણ વિકલ્પો હશે. ગુજરાતી દર્શકોને ત્રણ અલગ અલગ વિષય પરની ફિલ્મો એકસાથે જોવા મળશે.