ગુજરાતી ફિલ્મ હોય અને તેમાં ગરબા સોંગ ન હોય એવું તો કદાચ ભાગ્યે જ બને. દિવાળી બાદ રિલીઝ થવા જઈ રહેલી ફિલ્મ ‘દિયા ધ વન્ડર ગર્લ’ ફિલ્મનું ગરબા સોંગ રિલીઝ થયું છે. આ ફિલ્મ 9 વર્ષની એક બહાદુર દિકરીના જીવન પર બનેલી બાયોપિક ફિલ્મ છે.
‘દિયા ધ વન્ડર ગર્લ’ ફિલ્મના ગરબા સોંગ ‘નવરાત્રી’માં પાર્થિવ ગોહિલ અને લલિત્યા મુંશાવે પોતાનો મધુર અવાજ આપ્યો છે. ઓઝીલ દલાલ દ્વારા લિખીત આ ગીતને જતીન-પ્રતિક દ્વારા કંપોઝ કરવામાં આવ્યું છે અને રેડ રિબન મ્યુઝીક દ્વારા તેને પ્રસ્તુત કરવામાં આવ્યું છે.
માત્ર નવ વર્ષની ઉંમરે તાયક્વોડોમાં સબ જૂનિયર માર્શલ આર્ટ્સમાં નેશનલ ગોલ્ડ મેળવનાર દિયાની જીવની પર બની રહેલી આ ફિલ્મ દિવાળી બાદ એટલે કે 29 નવેમ્બરે રિલીઝ થશે. આ ફિલ્મના ડાયરેક્ટર સુરેશ પ્રેમવતી બિશ્નોઈ દ્વારા જ ફિલ્મની વાર્તા લખવામાં આવી છે.
આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા દિયા પટેલ ભજવી રહી છે. તો સાથે જ દિવ્યા દ્વિવેદી, ચંદ્રેશ કંસારા, સુરજ વધાવા, ભૂમિકા જાની, હરીશ ડગિયા, પ્રેમલ યાજ્ઞિક, સોનાલી નાણાવટી, શિવાની પાંડે, દેવ પટેલ, કૃપા ધવલ પંડ્યા વગેરે પણ વિવિધ ભૂમિકામાં જોવા મળશે.