સંગીતના ગઝલ જેવા પ્રારૂપને સામાન્ય લોકોમાં લોકપ્રિય બનાવનાર જાણીતા ગઝલકાર જગજીતસિંહને સમર્પિત અને તેમના જીવન પર આધારિત હિન્દી નાટક ‘મૈ જગજીત’નું અમદાવાદમાં આયોજન કરવામાં આવ્યું હતું. જગજીતસિંહના જીવન સફરને રજૂ કરતાં આ નાટકને હર્ષ શોધન અને ભાર્ગવ ગજ્જરે લખ્યું છે.
સંગીત અને કિસ્સાગોઈ શૈલીના ‘મૈ જગજીત’ નાટકમાં જગજીતસિંહનું પાત્ર ગુજરાતના જાણીતા અભિનેતા ચેતન દૈયાએ ભજવ્યું હતું. તો જગજીતસિંહનાં પત્ની ચિત્રાનું પાત્ર તારિકા ત્રિપાઠી અને યુવા જગજીતસિંહનું પાત્ર પલકેશ અગ્રવાલે ભજવ્યું હતું.
જગજીતસિંહની લોકપ્રિય ગઝલોને નીરવ બારોટે પોતાના સુમધુર કંઠમાં રજૂ કરી હતી. આ યુવા ગાયકની શાનદાર રજૂઆતે સમયને જાણે કે બાંધી દીધો હોય તેવું લાગતુ હતું.
જગજીતસિંહના જીવન વિશેની ઘણી બધી બાબતો ન્યુઝપેપર, મેગેઝીન અને ઇન્ટરનેટ પર રજૂ થઈ ચુકી છે. જેનાથી આપણામાંથી મોટાભાગના લોકો માહિતગાર પણ હશે. પરંતુ તે જાણકારીઓને ભેગી કરીને તેને એક નાટકના રૂપમાં સ્ટેજ પર લાવવાનું જે કાર્ય હર્ષ શોધન, ભાર્ગવ ગજ્જર અને તેમની ટીમે કર્યું છે તે ખરેખર પ્રશંસનીય છે.
‘મૈ જગજીત’ ને લખતી વખતે હર્ષ શોધન અને ભાર્ગવ ગજ્જરે તે બાબતનું ખાસ ધ્યાન રાખ્યું છે કે જાણકારીની સાથે સાથે મનોરંજન પણ મહત્વપૂર્ણ છે. મધુર ગીત, સંગીત અને રોચક વાર્તાની સાથે ડાયલોગ્સ પણ ખુબ જ સુંદર રીતે લખવામાં આવ્યા છે.
‘મૈ જગજીત’ માં જગજીતસિંહના નાનપણથી લઈને તેમના અંતિમ શ્વાસ સુધીની યાત્રાને સામેલ કરવામાં આવી છે. જોકે જગજીતસિંહ જેવી હસ્તીના જીવનને થોડાક જ કલાકોમાં દર્શાવી તો ન શકાય પરંતુ મચાન થિયેટર દ્વારા કરવામાં આવેલ આ પ્રયાસ ખરેખર સફળ લાગી રહ્યો છે.