66મો નેશનલ એવોર્ડ પ્રાપ્ત કરી ચુકેલી ગુજરાતી ફિલ્મ હેલ્લારોનું 10મી ઓક્ટોબરે ટ્રેલર લોન્ચ થયું હતું. આ પ્રસંગે ફિલ્મના દરેક કલાકારો ઉપસ્થિત રહ્યાં હતા. પ્રથમ વખત કોઈ ગુજરાતી ફિલ્મને નેશનલ એવોર્ડ પ્રાપ્ત થયો છે અને તે પણ રિલીઝ થયા પહેલાં જ.
અમદાવાદમાં ફિલ્મના ટ્રેલર લોન્ચિંગ વખતે ઉપસ્થિત ફિલ્મના દરેક કલાકારોમાં જોશનો માહોલ જોવા મળ્યો હતો. ગુજરાતની સંસ્કૃતિ અને પરંપરાને દર્શાવતી આ ફિલ્મમાં 13 અભિનેત્રીઓએ કામ કર્યું છે. જે તમામને સ્પેશ્યલ જ્યુરી એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે.
ફિલ્મના પ્રોડ્યુસર આશિષ પટેલે જણાવ્યું હતું કે, ‘ ભારતની તમામ ભાષાઓની ફિલ્મોને હરાવીને આ ફિલ્મે બેસ્ટ ફિચર ફિલ્મનો એવોર્ડ જીત્યો છે. એક અનોખા વિષય પર બનેલી આ ફિલ્મમાં સ્ત્રીઓના માન-સન્માનની વાત કરવામાં આવી છે.’
ફિલ્મ વિશે વાત કરતાં ફિલ્મના કલાકાર આકાશ ઝાલા કે જેઓ ફિલ્મમાં જોરાવર સિંહનું પાત્ર ભજવી રહ્યાં છે તેમણે જણાવ્યું હતું કે, ‘આ ફિલ્મ સીંક સાઉન્ડ ફિલ્મ છે જેમાં કોઈ પ્રકારનું ડબિંગ થયું નથી. હેલ્લારો ફિલ્મમાં ગુજરાતનું ખુબ જૂનુ અને જાણીતુ લોકનૃત્ય ગરબાને સિમ્બલાઈઝ કરીને ખુબ જ અદભૂત રીતે રજૂ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં ગરબાની સાથે સાથે ડ્રામા પણ જોવા મળશે. આ કોઈ પ્રકારની આર્ટ ફિલ્મ નથી અને નેશનલ એવોર્ડ મળ્યા બાદ અમારી બધાની લાગણી ટોપ ઓફ ધ વર્લ્ડ જેવી છે.’
ફિલ્મની અભિનેત્રી નીલમ પંચાલે જણાવ્યું હતું કે, ‘એક અલગ પ્રકારની અને આહલાદક લાગણી થઈ રહી છે. ગુજરાતી તરીકે ગર્વ અનુભવું છુ કે 66 વર્ષમાં નથી થયું તે હેલ્લારો ફિલ્મે કરી બતાવ્યું. આ બાબત દરેક ગુજરાતીઓ માટે ગર્વ લેવા જેવી છે અને કલાકાર તરીકે વાત કરું તો આવો અવસર દરેક કલાકારને જીવનમાં એક જ વખત મળે છે. આ લાગણી મને જીવનભર રહેશે.’
એક અનોખા વિષય પર બનેલી આ ફિલ્મનું ટ્રેલર જોતાં જ ખબર પડે છે કે ફિલ્મની સિનેમેટોગ્રાફી અને સ્ક્રીપ્ટીંગ કેટલું મજબુત છે. એક અદભૂત વિષય પર બનેલી આ ફિલ્મ ગુજરાતમાં ચોક્કસથી સફળતા મેળવશે તેવી આશા છે.