દેખાદેખીના આ યુગમાં પોતાના મિત્રો અને સગા-સંબંધીઓને ભૌતિક વસ્તુઓ દેખાડીને પોતાને શ્રેષ્ઠ સાબિત કરવાની હોડ જામી છે. સમાજના લોકોની આવી પ્રવૃત્તિને લઈને ‘અંદર અંદર પોરબંદર’ નાટક લખવામાં આવ્યું છે. જેનું મંચન ગત દિવસોમાં અમદાવાદમાં યોજાયું હતું. વિવેક શાહના બેનર હેઠળ બનેલ આ નાટકનું નિર્દેશન વિવેક શાહ અને દિગ્દર્શન કર્તવ્ય શાહે કર્યું છે. આ નાટક સમાજને ખુબ જ સુંદર સંદેશ આપવાની સાથે સાથે દર્શકોને હસાવવામાં સફળ રહ્યું છે.
આજકાલ સમાજમાં દેખાદેખીનું ચલણ એટલું બધુ વધી ગયું છે કે લોકો બીજા કરતાં સુખી અને વધારે પૈસાવાળા છે તે દેખાડવા માટે કોઈ પણ હદે જાય છે. ‘અંદર અંદર પોરબંદર’ ની વાર્તા પણ કંઈક આ જ પ્રકારની છે. રીતુ (જૈની શાહ) પોતાની બહેનપણી મેગીને (રોઝેલીન ક્રિશ્ચન) દેખાડવા માંગે છે કે તે તેનાં કરતાં સુખી અને પૈસાવાળી છે. તેના માટે તે પોતાના પતિ રવિને (વૈશાખ) ને પોતાના જ ઘરનો નોકર બનવા મજબુર કરી દે છે અને ત્યાર બાદ એક પછી એક જુઠની હારમાળા રચાતી જાય છે. જેમાં એક પછી એક નવા નવા પાત્રો સામેલ થતાં જાય છે અને તેઓ પણ ક્યાંક ને ક્યાંક આ જુઠ્ઠાણાનો ભાગ બનતાં જાય છે. ત્યાર બાદ જે પરિસ્થિતિ સર્જાય છે તે દર્શકોને હસાવી હસાવીને ગાંડાતુર કરી મુકે છે. ભાગર્વ ત્રિવેદી લિખિત આ નાટકના સંવાદો એટલા બધા જબરજસ્ત છે કે દર્શકોને હાસ્યથી તરબોળ કરી દે છે. નાટકના એક એક ડાયલોગ્સ પર તમે હસ્યા વિના નહીં રહી શકો.
રિતુનો નોકર રેવાદે (નિરવ પરમાર), મેગીનો પતિ મિકી (ભાગર્વ ત્રિવેદી), રવિનો મિત્ર રાહુલ (દર્શન દમાણી), રાહુલની ગર્લફ્રેન્ડ પ્રિયા (કિનલ ત્રિવેદી), ચંકીભાઈ (ભાગર્વ પરમાર) ના રોલમાં એકદમ પરફેક્ટ જામે છે.
મનોરંજન અને હાસ્યથી ભરપુર એવા આ નાટકમાં અદભૂત અને ફ્રેશ કોમેડી છે. નાટકના દરેક પાત્રોએ પોતાના રોલમાં જીવ રેડી દીધો છે. દરેક પાત્રનો રોલ ઉડીને આંખે વળગે તેવો છે. દરેક પાત્રને બરાબર સમય પણ આપવામાં આવ્યો છે. નાટકમાં આકાશ શાહનું મ્યુઝીક અને ગાયક કલાકાર પાર્થ ઓઝાના અવાજે નાટકને ચાર ચાંદ લગાવી દીધા છે.
કુલ મળીને કહીએ તો આ નાટક 100 ટકા નહીં પરંતુ 200 ટકા પૈસા વસુલ ડ્રામા છે. જે નાનાથી લઈને મોટી ઉંમરના તમામ લોકોને ચોક્કસથી પસંદ આવશે.