ચેતન દૈયાની અભિનયની સફર અનોખી છે. નાટ્યજગતમાંથી સિનેમામાં અને ત્યાંથી હિન્દી સિનેમામાં તેમણે પોતાના અભિનયથી પ્રકાશ રેલાવ્યો છે. ફિલ્મ ‘કરસનદાસ’માં એકદમ કડક રોલ ભજવનારા, તો હિન્દી ફિલ્મ ‘મિત્રો’માં નાનકડા રોલ દ્વારા લોકોના માનસપટલ પર છાપ છોડનારા ચેતનની એક્ટિંગ સાવ સહજ છે, ચાલો જાણીએ ચેતન સાથે ફિલ્મીકાફેની ગુફ્તેગોના અમુક અંશ.
નાટક કે ફિલ્મ બંને માધ્યમને તેઓ સરળ નથી માનતા, તેઓ જણાવે છે કે તમારા અભિનયમાં ઘૂસી તેને આત્મસાત કરવો ખૂબ જરૂરી છે. જ્યાં સુધી તમે તમારી ભૂમિકામાં ન ઘૂસી શકો, ત્યાં સુધી ફિલ્મ હોય કે નાટક કોઈપણ સરળ નથી.
ચેતન દૈયા વધુમાં જણાવે છે કે, અર્બન ગુજરાતી ફિલ્મો માટે હાલમાં સારો સમય ચાલી રહ્યો છે. હાલમાં આવનારા નવા કલાકારો અને નવી ટેકનિક સાથે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ હાલમાં ઘણો આગળ જઈ રહ્યો છે, જેને આકાશની ઊંચાઈ મેળવવાની છે.
ચેતન દૈયા જણાવે છે કે, પાત્રમાં ઘૂસીને તેને ભજવવાની એક અલગ મજા છે. જ્યારે તમે તમારી એક્ટિંગથી સ્ટેજની સામે બેઠેલા દર્શકોને રોવડાવી શકો, તો માની લેવું કે તમે સફળ કલાકાર છો. આંતપટ નાટકમાં ચાર માસીબા એક દીકરીને ઉછેરે છે, જેના એક હૃદયદ્રાવક દૃશ્યમાં અમે સૌ કલાકારો અને દર્શકો ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યાં હતાં. આખા હોલમાં સન્નાટો, સંભળાતું હતું માત્ર રુદન. એકસાથે આટલા લોકો એક જ લાગણી અનુભવે તેનાથી મજાની વાત શું હોય !
હું ડ્રામાના વિદ્યાર્થીઓને વિઝિટિંગ ફેકલ્ટી તરીકે ભણાવવા જાઉં છું, કારણ કે હું મારી કલાને આગળની પેઢીને સોંપી મારી કલાને જીવંત રાખવા માગું છું.