Movie Review: છેલ્લો શો (Last Film Show)

0
3130

ગુજરાતને ગૌરવ અપાવતી એક ફિલ્મ તાજેતરમાં જ રિલીઝ થઈ છે… ‘છેલ્લો શો (Last Film Show)’. માત્ર ગુજરાતને જ કેમ, પરંતુ સમગ્ર ભારતને ગૌરવ અપાવ્યું છે આ ફિલ્મે. કેમકે ઓસ્કારમાં ભારતની ઓફિસિયલ એન્ટ્રી મેળવનાર વર્ષની એકમાત્ર અને ગુજરાતની પ્રથમ ફિલ્મ છે.

The Last Film Show

ખુબ જ સીધી સરળ વાર્તા… આઠેક વર્ષનો એક છોકરો છે, સમય (ભાવિન રબારી). દરેક બાળકની જેમ તેને પણ ઘણું બધું જાણવાનું કુતૂહલ હોય છે. તેના પિતા ચલાલા રેલવે સ્ટેશન પર ચા બનાવે છે, અને સમય ટ્રેનના પેસેન્જર્સને ચા વેચે છે. આમ તો તેનો પરિવાર બ્રાહ્મણ છે, એટલે ફિલ્મી દુનિયાથી દૂર રહેવામાં માને છે, પરંતુ એક વખત એક ધાર્મિક ફિલ્મ રિલિઝ થાય છે અને તેના પિતા પરિવારને ફિલ્મ જોવા લઈ જાય છે. સમય પહેલી વખત થિયેટર જુએ છે, એટલે ફિલ્મ પડદા પર કેવી રીતે દેખાય છે, તેને લઈને તેના મનમાં ઘણા બધા સવાલ થાય છે.

બીજા દિવસે જ્યારે તે પોતાના મિત્રો સાથે શહેરમાં પોતાની શાળામાં આવે છે ત્યારે તે શાળામાંથી ગુલ્લી મારીને ફિલ્મ જોવા જાય છે અને પોતાના સવાલોનાં જવાબ શોધવાનો પ્રયાસ કરે છે. જોકે બે દિવસ પછી પૈસા ન હોવાથી તે ટિકીટ ખરીદી શકતો નથી, અને મફતમાં ફિલ્મ જોવાનો પ્રયાસ કરે છે, તેથી તેને થિયેટરમાંથી હાંકી કાઢવામાં આવે છે. પરંતુ થિયેટરમાં કામ કરતાં ફઝલ (ભાવેશ શ્રીમાળી) સાથે તે મિત્રતા કરી લે છે. પોતાની માના હાથનું બનાવેલું ટિફીન તે રોજ ફઝલને આપે છે અને તેના બદલામાં ફઝલ તેને મફતમાં ફિલ્મ જોવા દે છે. સાથે સાથે ફઝલ સમયને એ પણ શીખવાડે છે કે ફિલ્મ કેવી રીતે પડદા પર દેખાય છે. ત્યાર બાદ સમય પોતાનું કુતૂહલ અને પોતાની કલ્પનાશક્તિને ભેગી કરીને જે કમાલ કરી બતાવે છે તે ખરેખર જોવા જેવું છે.

આ ફિલ્મમાં તમામ બાળ કલાકારોનો અભિનય એ સ્ટેન્ડિંગ ઓવેશનને લાયક છે. એકદમ સહજ અભિયન. સમયના માતા-પિતાના રોલમાં રિચા મીના અને દિપેન રાવલે પોતાના પાત્રોને એકદમ પરફેક્ટ ન્યાય આપ્યો છે. ફિલ્મના ડાયલોગ્સ એકદમ સરળ, પરંતુ ગૂઢ અર્થ વાળા- ‘જેને વાર્તા કહેતાં આવડે એ જ ફિલ્મ બનાવી શકે, ભણો અને ભાગો, સિનેમા એટેલે જુઠ્ઠાણું’, આ પ્રકારના ડાયલોગ્સ ફિલ્મને એકદમ જીવંત બનાવી દે છે. સાથે જ આ ફિલ્મ નેચરલ લોકેશન પર શૂટ કરવામાં આવી છે. બેક ગ્રાઉન્ડ મ્યુઝીક એટલું બધુ નેચરલ અને હળવું છે કે મુખ્ય સ્ટોરી પરથી ધ્યાન નહીં હટવા દે.

ફિલ્મમાં ખાસ – બા ના હાથની પારંપારિક ગુજરાતી રસોઈ, પુત્ર પ્રત્યે પિતાનો અનન્ય પ્રેમ, વિદ્યાર્થીના ઘડતરમાં શિક્ષકનું મહત્વ, મિત્રોને સાથ-સંગાથ, બાળપણની મોજ-મસ્તી, બાળપણની કલ્પનાઓ, સિનેમાના કલર- આ બધુ જ એકદમ બારીકાઈથી દેખાડવામાં આવ્યું છે. ક્યાંય કોઈ સીનમાં અતિશયોક્તી નથી લાગતી. આ ફિલ્મના ડાયરેક્ટર, પ્રોડ્યુસર અને લેખક- પાન નલીને બારીકાઈથી કરેલું કામ આંખે ઉડીને વળગે એવું છે. ખાસ તો ફિલ્મ જગત સાથે સંકળાયેલા ના હોય તેવા બાળકો પાસેથી ઉત્તમ કોટિનો અભિયન કરાવવો, તે માટે પાન નલીન ખરેખર અભિનંદનને પાત્ર છે.

ત્રણ વર્ષ પહેલાં એટલે કે કોરાનાકાળ પહેલાં બનીને તૈયાર થયેલી આ ફિલ્મ 14 ઓક્ટોબરે ભારતના સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. અનેક ભારતીય ભારતીય ભાષામાં અને વિદેશી ભાષામાં પણ રિલીઝ થયેલી આ ફિલ્મે સમગ્ર વિશ્વમાં ખ્યાતિ પ્રાપ્ત કરી છે, ત્યારે આપણે ગુજરાતી તરીકે આ ફિલ્મ ચોકક્સથી જોવી જોઈએ.

  • © પારૂલ ચૌધરી