ગુજરાતીમાં હવે એક બાદ નવા નવા કોન્સેપ્ટ સાથેની નવી નવી વેબ સિરીઝ આવી રહી છે. ત્યારે લીવ-ઈન રિલેશનશીપ જેવા મુદ્દાને લઈને એક નવી વેબ સિરીઝ શરૂ થઈ છે. જેનું નામ છે ‘પ્યાર સ્વાદ અનુસાર’.
જીવનમાં કોઈ પણ વસ્તુ વધુ કે ઓછી હોય તો જીવનનો સ્વાદ બગડી જાય છે. જેમ ભોજનમાં સ્વાદ અનુસાર મીઠું હોવું જરૂરી છે એ જ રીતે દરેક સંબંધમાં પણ સ્વાદ અનુસાર પ્રેમ અને ઝઘડો જરૂરી છે. આવા જ સંબંધોને દર્શાવતી વેબ સિરીઝ એટલે ‘પ્યાર સ્વાદ અનુસાર’.
નિશાંત રાવલ દ્વારા નિર્દેશિત આ વેબ સિરીઝ ‘પ્યાર સ્વાદ અનુસાર’ નો પ્રથમ એપિસોડ 15 સપ્ટેમ્બેર રજૂ થયો છે. લીવ-ઈન રિલેશનશીપ જેવા મુદ્દાને કેન્દ્રમા રાખીને બનાવવામાં આવેલી આ વેબ સિરીઝમાં રોમંચ સોની, પ્રિયંકા ધ્રુવ અને સુરજ શર્મા મુખ્ય રોલમાં છે.
આ વેબ સિરીઝ વિશે વધારે માહિતી આપતાં તેનાં લેખક અને પ્રોડ્યુસર રોમાંચ સોનીએ જણાવ્યું હતું કે, ‘આ વેબ સિરીઝના કુલ 4 એપિસોડ છે. દર અઠવાડિયે એક એપિસોડ રજૂ કરવામાં આવશે. એટલે કે સિરીઝનો બીજો એપિસોડ 21 સપ્ટેમ્બરે રિલીઝ થશે.’
વેબ સિરીઝની વાર્તા વિશે વધારે માહિતી આપતાં રોમાંચ સોનીએ જણાવ્યું હતું કે, ‘આમાં એક ગુજરાતી યંગ કપલની વાત છે. જેઓ કોલેજ પુરી કર્યા બાદ લીવ-ઈન રિલેશનશીપમા સાથે રહે છે. અંકિત (રોમાંચ સોની) ઘરેથી કામ કરે છે અને ખુશ્બુ (પ્રિયંકા ધ્રુવ) જોબ કરે છે. આ દરમિયાન બંને વચ્ચે પ્રેમ, ઝઘડો અને અસુરક્ષા જેવી અનેક લાગણીએ જન્મ લે છે. જેને સારી રીતે સ્ક્રીન પર દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.’
ફિલ્મી કાફે સાથે વાત કરતાં રોમાંચ સોનીએ જણાવ્યું હતું કે, ‘જે રીતે દર્શકો હિન્દી અને અંગ્રેજી વેબ સિરીઝને સપોર્ટ કરે છે તે રીતે અમારી આ ગુજરાતી વેબ સિરીઝને પણ સપોર્ટ કરશે તેવી અમને અપેક્ષા છે.’