Tuesday, December 10, 2024
HomeNewsચીલઝડપની સ્ટાર કાસ્ટ અમદાવાદની મુલાકાતે, ફિલ્મ સંબંધિત રોચક જાણકારીઓ કરી શેર

ચીલઝડપની સ્ટાર કાસ્ટ અમદાવાદની મુલાકાતે, ફિલ્મ સંબંધિત રોચક જાણકારીઓ કરી શેર

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક બાદ એક સુપરહીટ ફિલ્મો રિલીઝ થઈ રહી છે. આગામી 6 સપ્ટેમ્બરના રોજ વધુ એક ગુજરાતી ફિલ્મ ચીલઝડપ રિલીઝ થવા જઈ રહી છે. ક્રાઇમ, સસ્પેન્સ, થ્રિલ અને રોમાંચક આ ફિલ્મની સ્ટાર કાસ્ટ અમદાવાદની મુલાકાતે આવી હતી.  જેમણે ફિલ્મના અનુભવો શેર કર્યા હતા.

30 વર્ષની રિચા (સોનિયા શાહ) એક બેંકમાં કામ કરે છે. પૈસાની અછત રહેતી હોવાથી રિચા બેંક ખાતાઓ સાથે ખોટી ગોઠવણી અને નાની છેતરપિંડી કરે છે. એક દિવસ ડ્રગ્સનો આરોપી ગોપી (સુશાંત સિંહ) તેને બેંક લૂટવાની ધમકી આપે છે. ત્યાર બાદ બેંકમાં લૂંટ થાય છે અને એસીપી ગોહિલ (દર્શન જરીવાલ)ની એન્ટ્રી થાય છે. ત્યાર બાદ ફિલ્મમાં શરૂ થાય છે ચોર-પોલીસની રમત. તેવામાં રસિક ભ્રહ્મભટ્ટ (જીમિત ત્રિવેદી) ની એન્ટ્રી થાય છે. અને પછી ફિલ્મમાં સર્જાય છે થ્રિલ અને હાસ્ય.

વર્ષ 1988માં આવેલા નાટક ચીલઝડપ પરથી આ ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે. ફિલ્મના નિર્દેશક ધર્મેશ મહેતાએ ફિલ્મ મેકિંગના અનુભવો શેર કરતાં જણાવ્યું હતું કે, ફિલ્મના દરેક પાત્રો તેમના મગજમાં પહેલાંથી જ ફીટ હતા. તેથી પાત્રોની પસંદગી કરવામાં અને આ ફિલ્મ કરવા માટે દરેક કલાકારને રાજી કરવામાં તેમને ભારે જહેમત ઉઠાવવી પડી નહોતી. આ ફિલ્મનું શૂટિંગ સિદ્ધપુર અને મુંબઈમાં કરવામાં આવ્યું હતું. આ ફિલ્મને શૂટ કરવામાં માત્ર 19 જ દિવસ લાગ્યા હતા.

ચીલઝડપ નાટકની વાર્તા વિહાંગ મહેતા દ્વારા લખવામાં આવી છે. વિહાંગ મહેતાએ ફિલ્મ માટે વાર્તામાં થોડાક ફેરફારો કર્યા છે. 1988માં રજૂ થયેલા નાટક અને ફિલ્મના અનુભવો શેર કરતાં તેઓએ જણાવ્યું હતું કે, આ નાટક ઈન્ડિયન નેશનલ થિયેટરમાં ભજવાયું હતું. 1988માં જ્યારે આ નાટક રિલીઝ થયું ત્યારે રિચાનો રોલ રિમા લાગુએ ભજવ્યો હતો. રિમા લાગુનું આ પ્રથમ ગુજરાતી નાટક હતું. તો ચીલઝડપ ફિલ્મમાં સુશાંત સિંહે ગુજરાતી ફિલ્મમાં ડેબ્યુ કરતાં આ ફિલ્મમાં વિલનનો રોલ ભજવ્યો છે. તો વળી આ ફિલ્મમાં જાણીતા ગાયિકા ઉષા ઉથ્થુપનો સ્વર પણ સંભળાશે. જેમણે પ્રથમ વખત ગુજરાતી ફિલ્મ માટે ગીત ગાયું છે.

સાવધાન ઇન્ડિયા ફેમ એક્ટર સુશાંત સિંહની પ્રથમ ગુજરાતી ફિલ્મ છે. હિન્દી ભાષી હોવા છતાં તેમણે ગુજરાતી ભાષામાં સ્પષ્ટ ઉચ્ચારણ સાથે બધા સંવાદ બોલ્યા છે. જે પાછળ ફિલ્મ નિર્દેશક ધર્મેશ મહેતાની મહેનત હોવાનું તેમણે જણાવ્યું હતું. સોનિયા શાહનો આ ફિલ્મમાં ડબલ રોલ છે. અનેક સસ્પેન્સ ધરાવતી આ ફિલ્મની વાર્તા અંતમાં કંઈક અલગ જ હોવાનું સોનિયા  શાહે જણાવ્યું હતું.

જિમિત ત્રિવેદીએ ફિલ્મના અનુભવો શેર કરતાં જણાવ્યું હતું કે, 48 ડિગ્રી ગરમીમાં તેમણે સિદ્ધપુરમાં ભારે કોસ્ચ્યુમ સાથે શૂટિંગ કર્યું હતું. જે ખરેખર તેમના માટે એક ચેલેન્જ હતી. આ ફિલ્મમાં જે રોલ જિમિત દ્વારા ભજવવામાં આવ્યો છે તેને ચીલઝડપ નાટકમાં જતિનભાઈ દ્વારા ભજવવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

Most Popular

Recent Comments