બોલિવૂડના અનેક ગીતોને યાદગાર બનાવનાર સિંગર ઉષા ઉથુપે પોતાની કારકીર્દીમાં પ્રથમ વખત ગુજરાતી ફિલ્મ માટે ગીત ગાયું છે. ગુજરાતી ફિલ્મ ચીલઝડપમાં એક નાઈટ ક્લબ સોંગ માટે ઉષા ઉથુપે પોતાનો અવાજ આપ્યો છે.
ઉષા ઉથુપના સિંગિંગ કેરિયરનું આ 50મુ વર્ષ ચાલે છે. તે દરમિયાન ચીલઝડપ ફિલ્મના ડાયરેક્ટર ધર્મેશ મહેતાએ ફિલ્મમાં ગીત ગાવા માટે ઉષા ઉથુપને ફોન કર્યો હતો. આ સાંભળતા જ ઉષા ઉથુપ ખુશ થઈ ગયા અને ધર્મેશ મહેતાનો આભાર વ્યક્ત કરતાં તેમને કહ્યું કે, મેં ભારતની તમામ ભાષાઓમાં ગીત ગાયા છે. માત્ર ગુજરાતી ભાષા માટે જ ગીત નહોતું ગાયું. પરંતુ હવે ગુજરાતીમાં પણ ગીત ગાવાની મારી ઈચ્છા પુરી થઈ ગઈ.
ધર્મેશ મહેતાએ ફિલ્મીકાફે સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, ‘ઉષા ઉથુપ જેટલા જાજરમાન સિંગર છે એટલા જ ડાઉન ટુ અર્થ પણ છે. તેમને કોઈ વાતનું ઘમંડ નથી. સ્ટુડિયોમાં આવતાં પહેલાં તેઓ ઘણું હોમવર્ક કરીને આવતાં હતા. તેઓ દક્ષિણ ભારતીય હોવાથી તેમને ગુજરાતી લહેકા સાથે ગવડાવવુ થોડુક મુશ્કેલ હતું. તેથી તેઓ વચ્ચે વચ્ચે મને પુછતા પણ હતા કે, મેં બરાબર કર્યું ને.. ક્યાંય ભુલ તો નથી થઈ ને..’
ધર્મેશ મહેતાએ જણાવ્યું હતું કે, ‘ઉષા ઉથુપે પોતાને ગમતા ગીતોનું એક લીસ્ટ બનાવ્યું છે. તેમાં આ ગુજરાતી સોંગ ‘અલગારી’ પણ ઉમેર્યું છે. જે મારા માટે ખરેખર ગર્વની વાત છે.’