મુંબઈ મોહનગરી, માયાનગરી… આખા દેશમાંથી અનેક લોકો કંઈક બનવાનું સપનું લઈને મુંબઈ આવે છે. પરંતુ આ મોહનગરીની માયાજાળમાં ફસાઈને માત્ર પૈસાને જ પોતાનું કર્મ અને પોતાનો ધર્મ માનવા લાગે છે. આવું જ કંઈક ધર્મેશ મહેતા દ્વારા નિર્દેશિત કરવામાં આવેલી ફિલ્મ ચીલઝડપમાં છે.
બેંક કેશિયર રિચા(સોનિયા શાહ) કંઈક બનાવનું સપનું લઈને 10 વર્ષ પહેલાં મુંબઈ આવે છે. પરંતુ માયાનગરીના ખર્ચાઓને પહોંચી વળવા માટે તે બેંકમાં નાની મોટી હેરાફેરી કરતી હોય છે. એક દિવસ મુંબઈનો એક ડોન ગોપી (સુશાંત સિંહ) તેનાં ઘરે આવી ચઢે છે અને તેને 50 લાખ રૂપિયા બેંકમાંથી લૂંટવાની ધમકી આપે છે. ગોપી પોતાની સાથે રિચાના રસોઈયા અને તેના ભાઈ સમાન પિંકુને કીડનેપ કરી જાય છે. જેથી નાછુટકે રિચાએ ગોપીની વાત માનવી પડે છે. ત્યાર બાદ એસીપી ગોહિલ (દર્શન જરીવાલ)ની એન્ટ્રી થાય છે. જેઓ આ રોબરી કેસને ઉકેલવાનો પ્રયાસ કરે છે. તેવામાં ફિલ્મમાં રસિક (જીમિત ત્રિવેદી)ની એન્ટ્રી થાય છે અને ત્યાર બાદ ફિલ્મમાં શરૂ થાય છે ધમાલ, મોજ મસ્તી અને હાસ્યની ભરમાર. હવે કોણે લૂંટ કરી, કેમ કરી અને તેનો ભેદ કેવી રીતે ઉકેલાયો તે માટે તો તમારે ફિલ્મ જોવી રહી.
ફિલ્મ નિર્દેશક ધર્મેશ મહેતાએ ફિલ્મના દરેક પાત્રો પાસેથી ખુબ જ સારું કામ લીધું છે. ફિલ્મના દરેક પાત્રો રોલને એકદમ અનુરૂપ છે અને દરેકનો રોલ વખાણવા લાયક છે. ડબલ રોલમાં સોનિયા શાહની એક્ટિંગ ખુબ જ શાનદાર છે. ગુજરાતી ફિલ્મમાં પ્રથમ વખત કામ કરનાર સુશાંતસિંહના મોઢેથી ગુજરાતી સંવાદો સાંભળીને વાહ નીકળી જશે. નેગેટિવ રોલમાં સુશાંતસિંહ એકદમ પરફેક્ટ જામે છે. જીમિત ત્રિવેદીની કોમેડી અને તેના હાવભાવ તમને હસવા મજબુર કરી દેશે. સ્કૂલના પટાવાળા રમણીકનું પાત્ર નાનુ પરંતુ દર્શકોનાં મનમાં છાપ છોડે તેવું છે.
ફિલ્મના લેખક વિહાંગ મહેતાએ ખુબ જ શાનદાર સંવાદો સાથે ખુબ જ રસપ્રદ વાર્તા લખી છે. આ ફિલ્મ 1988માં ભજવાયેલા સફળ નાટક ચીલઝડપ પરથી બની છે. પિયુષ કનોઝીયાનું મ્યુઝીક, રાહુલ જાદવની સિનેમેટોગ્રાફી, કેમેરા વર્ક બધુ જ એકદમ પરફેક્ટ છે. ઉષા ઉથ્થપાનું નાઈટ ક્બલનું ગીત મુંબઈની નાઈટ ક્લબની યાદ અપાવી દે તેવું દમદાર છે.
ફિલ્મમાં એક બે સીનને થોડાક લાંબા ખેંચવામાં આવ્યા છે. પ્રથમ હાફમાં ફિલ્મ દર્શકોને પકડી રાખવામાં અસફળ રહી છે. જોકે ઈન્ટરવલ બાદ ફિલ્મમાં એક બાદ એક સસ્પેન્સ ખુલે છે અને સ્ટોરી અનેક વળાંક લે છે. ફિલ્મનો ક્લાઈમેક્સ આપણા ધાર્યાથી કંઈક અલગ જ નીકળે છે. તેથી એક વખત તો આ ફિલ્મ થિયેટરમાં જોવી જોઈએ.