1920થી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પાપા પગલી માંડનાર ઢોલીવુડને આવતા વર્ષે એટલે કે 2020માં 100 વર્ષ પૂર્ણ થશે. એક સદીની આ સફરમાં ઢોલીવુડે અનેક ચઢાવ-ઉતાર જોયા. અનેક સુપરસ્ટાર્સ પણ આપ્યા અને અનેક ફિલ્મોએ રાષ્ટ્રીય એવોર્ડ જીતવા સહિત શિકાગો ફિલ્મ ફેસ્ટીવલ અને ઓસ્કારમાં પણ જઈ આવી હતી. તો નજર કરીએ આવી કેટલીક ફિલ્મો પર..
કંકુ – 1969માં કાંતિલાલ રાઠોડ દ્વારા નિર્મિત કંકુ ફિલ્મ સામાજિક નાટ્યાત્મક ફિલ્મ છે. ગુજરાતી સાહિત્યકલાકાર પન્નાલાલ પટેલે 1936માં એક ટુંકી વાર્તા લખી હતી. જેના પરથી આ ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં એક વિધવાના જીવનની સંઘર્ષગાથાને દર્શાવવામાં આવી હતી. કિશોર ભટ્ટ, કિશોર ઝરીવાલા, પલ્લવી મહેતા દ્વારા અભિનિત આ ફિલ્મને ૧૭મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં સૌ પ્રથમ સર્વોત્તમ ગુજરાતી ફિલ્મનો ખિતાબ મળ્યો હતો. ફિલ્મના ગીતકાર વેણીભાઈ પુરોહિત હતા અને સંગીત દિલીપ ધોળકિયાએ આપ્યું હતું.
વીર હમીરજી – સૌરાષ્ટ્રની ગાથા પર અને સોમનાથના બચાવ માટે બલિદાન આપનારા વીર હમીરજી પર બનેલી ફિલ્મ એટલે ‘વીર હમીરજી સોમનાથની સખતે’. 25 મે 2012ના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મના ડાયરેક્ટર નિલેશ ઇન્દુ મારૂતિ મોહિતે છે. ભગીરથ જોષી દ્વારા પ્રોડ્યુસ આ ફિલ્મ ભલેને બોક્સ ઓફિસ પર પોતાનો જાદુ ના પાથરી શકી હોય પરંતુ તે ઓસ્કાર એવોર્ડ માટે નોમિનેટ થઈ હતી. સૌરાષ્ટ્રની ગાથા પર અને સોમનાથના બચાવ માટે બલિદાન આપનારા વીર હમીરજી પર બનેલી આ ફિલ્મે ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ચોક્કસથી ગૌરવ અપાવ્યું છે.
ધ ગુડ રોડ – વર્ષ 2013માં બનેલી આ ફિલ્મને 60મા નેશનલ ફિલ્મ એવોર્ડમાં ગુજરાતની બેસ્ટ ફિચર ફિલ્મ માટે રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયો છે. ફિલ્મનું નિર્દેશન અને ફિલ્મની સ્ટોરી જ્ઞાન કોરેઆ દ્વારા તૈયાર કરવામાં આવી હતી. આ ફિલ્મ 86મા એકેડેમી એવોર્ડ્સ એટલે કે ઓસ્કારમાં બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મની શ્રેણી માટે પણ નોમિનેટ થઈ હતી. ફિલ્મમાં અજય ગેહી, સોનાલી કુલકર્ણી, શામજી ધના કેરાસિયા, કેવલ કાતરોડિયા જેવા કલાકારોએ અભિનય કર્યો હતો.
રોંગ સાઇડ રાજુ – 2013માં અમદાવાદમાં બનેલી હિટ એન્ડ રનની ઘટના પર આધારિત આ ફિલ્મને 64મા નેશનલ ફિલ્મ એવોર્ડમાં સ્પેશ્યલ મેન્શનમાં બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. ‘કેવી રીતે જઈશ’ અને ‘બે યાર’ જેવી સુપરહીટ ગુજરાતી ફિલ્મો આપનાર અભિષેક જૈને આ ફિલ્મ બનાવી હતી. ફિલ્મમાં પ્રતિક ગાંધી, કિમ્બરવી મૈકવીથ અને આસિફ બસરા મુખ્ય ભૂમિકામાં હતા. ફેન્ટમ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મના પ્રોડ્યુસર અનુરાગ કશ્યપ અને ડાયરેક્ટર મિખિલ મુસળે હતા.
ઢ – રોંગ સાઇડ રાજુને નેશનલ એવોર્ડ મળ્યાના એક વર્ષ બાદ ગુજરાતી ફિલ્મ ‘ઢ’ પણ નેશનલ ફિલ્મ એવોર્ડમાં ઝળકી હતી. આ ફિલ્મને 65 મા નેશનલ ફિલ્મ એવોર્ડમાં ગુજરાતી ફિલ્મોની શ્રેણીમાં રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. આ ફિલ્મ 20 દેશના જુદા જુદા ફિલ્મ ફેસ્ટીવલમાં પણ દર્શાવાઈ હતી. જેમાંથી તેને ટોરન્ટો ફિલ્મ ફેસ્ટીવલ સહિત અનેક આંતરરાષ્ટ્રીય એવોર્ડ્સ પણ મળ્યા છે. આ ફિલ્મની વાર્તા સ્કૂલના ત્રણ વિદ્યાર્થીઓ પર આધારિત છે જેમને ભણવાનું ગમતુ નથી. ફિલ્મમાં નસરુદ્દીન શાહ, બ્રિજેન્દ્ર કાલા અને અર્ચન ત્રિવેદી જેવા દિગ્ગજ કલાકારોએ અભિનય કર્યો છે.
રેવા- 2019માં યોજાયેલા 66 મા નેશનલ ફિલ્મ એવોર્ડમાં ગુજરાતી ફિલ્મ ‘રેવા’ એ બાજી મારી છે. ધ્રુવ ભટટ્ની નવલકથા તત્વમસી પરથી બનેલી આ ફિલ્મને ગુજરાતની સર્વશ્રેષ્ઠ ફિલ્મ તરીકેનો રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો છે. ચેતન ધાનાણી અને મોનલ ગજ્જર ફિલ્મમાં મુખ્ય પાત્રમાં તો દયા શંકર પાંડે, યતીન કારયેકર, અભિનય બેન્કર જેવા કલાકારોએ સહાયક ભૂમિકા ભજવી હતી. રાહુલ ભોળે અને વિનીત કનોજિયાના લેખક અને દિગ્દર્શક હેઠળ બનેલી આ ફિલ્મમાં કિર્તીદાન ગઢવી જેવા મહાન ગાયકે પોતાનો અવાજ આપ્યો હતો. નવલકથાની જેમ જ ફિલ્મમાં પણ નર્મદા માતા અને નદીની આસપાસ ધબકતુ જીવન, પ્રકૃતિ, આદિવાસી પ્રજાની ખુમારી અને સંસ્કૃતિને ખુબ જ સુંદર રીતે દર્શાવવામાં આવી છે.
હેલ્લારો- હેલ્લારો ફિલ્મે 66 મા નેશનલ ફિલ્મ એવોર્ડમાં રાષ્ટ્રીય સ્તરે ડંકો વગાડીને ભારતની તમામ ફિલ્મ્સને પછાડીને બેસ્ટ ફિચર ફિલ્મનો અને સ્પેશ્યલ જ્યુરીનો એવોર્ડ જીતી લીધો છે. અભિષેક શાહ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં સ્ત્રી સશક્તિકરણની વાત છે. આ ફિલ્મ હજુ સુધી સિલ્વર સ્ક્રીન પર રિલિઝ થઈ નથી પરંતુ ફિલ્મમાં સંવાદ, એડિશનલ સ્ક્રીનપ્લે અને ગીત જાણીતા નાટ્યકાર અને કવિ સૌમ્ય જોશીએ લખ્યાં છે. મેહુલ સુરતીએ ફિલ્મમાં સંગીત આપ્યુ છે અને અર્ષ તન્ના અને સમીરે કોરિયોગ્રાફી કરી છે.