પાંચ સૌથી ભાવનાત્મક અને હૃદયસ્પર્શી ગુજરાતી મૂવીઝ

0
44

ફરી એક વખત ગુજરાતી સિનેમાનો ઉદય થઈ રહ્યો છે. છેલ્લાં બે-ત્રણ વર્ષની વાત કરીએ તો ગુજરાતી ફિલ્મના ચાહકોને ઘણી સારી ગુજરાતી મૂવીઝનો રસ ચાખવા મળ્યો છે. જેમાંની ઘણી ફિલ્મો તો એવી પણ રહી છે, જેણે દર્શકોની આંખમાં આંસુ લાવીને તેમને વિચારતા કરી મૂક્યા હતા. તો આવો જાણીએ આવી જ કેટલીક ગુજરાતી ફિલ્મો વિશે.

નટસમ્રાટ
મરાઠી નાટક પરથી બનેલી આ ફિલ્મમાં સિદ્ધાર્થ રાંદેરિયા અને દીપિકા ચીખલિયા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યાં હતાં. સંપૂર્ણ પારિવારિક આ ફિલ્મની વાર્તા ખૂબ જ હૃદયસ્પર્શી હતી. ડાયરેક્ટર જયંત ગિલતારે સમયની માગને જોઈને ખૂબ જ અદભુત ફિલ્મ પ્રસ્તુત કરી હતી. જેમાં રિટાયર્ડ થયેલી વ્યક્તિની ઘરમાં શું સ્થિતિ હોય છે તેનું આબેહૂબ વર્ણન કર્યું હતું. તો સાથે જ સમયના વહેણમાં બદલાતા સંબંધોની પરિભાષા પણ ખૂબ જ સુંદર રીતે રજૂ કરી હતી.

રેવા
ધ્રુવ ભટ્ટની ગુજરાત સાહિત્ય અકાદમીના એવોર્ડથી સન્માનિત નવલકથા તત્વમસિ પરથી બનેલી ફિલ્મ એટલે રેવા. નવલકથાની જેમ જ ફિલ્મમાં પણ નર્મદા માતા અને નદીની આસપાસ ધબકતું જીવન, પ્રકૃતિ, આદિવાસી પ્રજાની ખુમારી અને સંસ્કૃતિને ખૂબ જ સુંદર રીતે દર્શાવવામાં આવી છે. કોઈપણ પ્રકારની પબ્લિસિટી વિના પણ આ ફિલ્મે ઘણાં ઊંચા મુકામ સર કર્યાં હતાં. આ ફિલ્મે લોકોનું જાણે કે હૃદય પરિવર્તન જ કરી નાખ્યું. ફિલ્મની સિનેમેટોગ્રાફીનાં જેટલાં વખાણ કરવામાં આવે તેટલાં ઓછાં છે. ચેતન ધાનાણી અને મોનલ ગજ્જર ફિલ્મમાં મુખ્ય પાત્રમાં, તો દયા શંકર પાંડે, યતીન કારયેકર, અભિનય બેન્કર જેવા કલાકારોએ સહાયક ભૂમિકા ભજવી હતી. રાહુલ ભોળે અને વિનિત કનોજિયાના લેખક અને દિગ્દર્શન હેઠળ બનેલી આ ફિલ્મમાં કીર્તિદાન ગઢવી જેવા મહાન ગાયકે પોતાનો અવાજ આપ્યો હતો.

ચાલ જીવી લઈએ
બોક્સ ઓફિસ પર રેકોર્ડ બ્રેક કમાણી કરનાર ગુજરાતી ફિલ્મ એટલે ‘ચાલ જીવી લઈએ’. એક પિતાને જ્યારે ખબર પડે કે દિવસ-રાત પોતાનું સપનું પૂરું કરવા પાછળ ભાગતા પોતાના દીકરાના જીવનના હવે માત્ર ગણતરીના દિવસો રહ્યા છે. આવી સંકટની સ્થિતિમાં એક સમજદાર પિતા પોતાની જાતને સંભાળીને પોતાના પુત્રને તેના જીવનના ગણતરીના દિવસો કેવી રીતે જીવતા શીખવે છે તેને ખૂબ જ અદભુત રીતે ફિલ્મમાં દર્શાવ્યું છે. ગુજરાતી સિનેમાના શહેનશાહ એવા સિદ્ધાર્થ રાંદેરિયા પોતાની અભિનય છટાથી દર્શકોને એટલા બધા ભાવુક કરી દે છે કે ફિલ્મના અંતે દર્શકોની આંખો છલકાઈ આવે છે. વિપુલ મહેતાના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં યશ સોની અને આરોહીનો અભિનય વખાણવાલાયક છે.

ચાલ મન જીતવા જઈએ
આ ફિલ્મ તેના ટાઇટલની જેમ જ સાર્થક છે. ગુજરાતી સિનેમાપ્રેમીઓનાં મન જીતનાર આ ફિલ્મ શરૂઆતથી લઈને અંત સુધી દર્શકોને આંખનું મટકું પણ નથી મારવા દેતી. દીપેશ શાહના ડાયરેક્શન હેઠળ બનેલી આ ફિલ્મના લેખક પણ તેઓ પોતે જ છે. ફિલ્મની વાર્તા પોતાની અને પોતાના પરિવારની લાગણીઓને ધ્યાનમાં લઈને કરવામાં આવેલી ચર્ચા પર આધારિત છે. નવાઈની વાત છે કે ફિલ્મનું 80 ટકા શૂટિંગ એક જ રૂમમાં થયું છે. સંપૂર્ણ પારિવારિક આ ફિલ્મમાં ‘તેનાલી રામા’માં મુખ્ય પાત્ર ભજવનાર ક્રિષ્ના ભારદ્વાજ લીડ રોલમાં છે. આ સાથે જ અન્ય 11 કલાકારોનો રોલ પણ નોંધપાત્ર છે.

વેન્ટિલેટર
વેન્ટિલેટર ફિલ્મ નેશનલ એવોર્ડ વિનિંગ મરાઠી ફિલ્મ પરથી બનેલી છે. ઉમંગ વ્યાસના દિગ્દર્શન હેઠળ બનેલી આ ફિલ્મમાં જેકી  શ્રોફ, સંજય ગોરડિયા, પ્રતીક ગાંધી, ઓજસ રાવલ, મનન દેસાઈ, મિત્ર ગઢવી, અર્ચના દેસાઈ, અર્ચન ત્રિવેદી અને જયેશ મોરે સહિત કુલ 35 કલાકારો જોવા મળ્યા હતા. નિરેન ભટ્ટ અને કરણ વ્યાસે વેન્ટિલેટરની પટકથા લખી હતી. સંપૂર્ણ પારિવારિક આ ફિલ્મમાં પાર્થ ભરત ઠક્કરે મ્યુઝિક આપ્યું છે, અને ગીતોને પાર્થિવ ગોહિલ, આદિત્ય ગઢવી અને સિદ્ધાર્થ ભાવસારે સ્વર આપ્યો.