ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દર વર્ષે અનેક ફિલ્મો બને છે જે માત્ર ત્રણથી છ મહિનામાં બનીને તૈયાર થઈ જાય છે. પરંતુ ગુજરાતીમાં એક એવી ફિલ્મ છે જેને તૈયાર થતાં એક- બે નહીં પરંતુ 17 વર્ષ લાગ્યા હતા.
એક ફિલ્મ ફાઉન્ડેશન હેઠળ ગુજરાતના અલગ અલગ ક્ષેત્રોનાં સાહિત્ય પર એક ફિલ્મ બનાવવાનો નિર્ણય કરવામાં આવે છે. અને વર્ષ 1999માં પરેશ નાયક અ કીર્તિ ખત્રીને એક ફિલ્મ બનાવવાનો આઇડિયા આવે છે. આ પરિકલ્પનાની પ્રથમ ફિલ્મ છે ધાડ. જે કચ્છની જીવનશૈલી અને તેનાં સંઘર્ષને દર્શાવે છે.
ફિલ્મકાર પરેશ નાયક નિર્દેશિત ગુજરાતી ફિલ્મ ધાડને રિલીઝ થતા લગભગ 17 વર્ષ લાગ્યા હતા. આ ફિલ્મમાં કે. કે. મેનન, નંદિતા દાસ, સુજાતા મહેતા, સંદીપ કુલકર્ણી, રઘુવીર યાદવ, સમીરા અવસ્થી મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા.
25 લાખ રૂપિયાના બજેટ સાથે શરૂ થયેલી ધાડ ફિલ્મને ગુજરાતમાં વર્ષ 2001માં આવેલા ભૂકંપના કારણે અનેક ચઢાવ-ઉતાર જોવા પડ્યા હતા. ભૂકંપને કારણે ફિલ્મના પ્રોજેક્ટને ઘણી અસર થઈ હતી.
ધાડ ફિલ્મનું શૂટિંગ વર્ષ 2002 થી 2003 દરમિયાન પૂર્ણ થઈ ગયું હતું. પરંતુ તેનાં સંપાદનમાં ઘણાં વર્ષો નીકળી ગયા. 2003 થી લઈને 2009 સુધી ફિલ્મના સંપાદનનું કામ ચાલ્યું હતું.
આ ફિલ્મમાં કામ કરવા માટે કે. કે. મેનન, રઘુવીર યાદવ અને અન્ય કલાકારોને ગુજરાતની કચ્છી બોલી શીખવી પડી હતી. ફિલ્મમાં કામ કરવા માટે કે. કે. મેનનને 50 હજાર રૂપિયા મહેનતાણું આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ આર્થિક સમસ્યાઓને કારણે કે. કે. મેનનને માત્ર 10 હજાર રૂપિયા જ ચુકવી શકાયા. જોકે આ વાતથી કે. કે. મેનન નારાજ નહોતા થયા. કારણ કે ફિલ્મ નિર્દેશક અને કે. કે. મેનન વચ્ચે સારી મિત્રતા છે.