શું તમે જાણો છો.. કયા બોલિવૂડ સ્ટારે તોડ્યુ રૌનક કામદારનું નાક?

0
70

રૌનક કામદારની ફિલ્મ ‘હુ…તુતુતુ…’ અને ‘ઑર્ડર ઑર્ડર આઉટ ઓફ ઑર્ડર’થી સૌકોઈ વાકેફ છે. ગુજરાતી સિનેમામાં ડેશિંગ અને હેન્ડસમ હીરોની વ્યાખ્યા બની ગયા છે રૌનક કામદાર, ત્યારે ફિલ્મીકાફેએ તેમની સાથે સીધો સંવાદ સાધીને કેટલીક ચોટદાર, અજાણી અને અંગત વાતો જાણી, જે અમે આપના સમક્ષ રજૂ કરીએ છીએ.

ફિલ્મીકાફેને જણાવતાં રોનક કામદાર જણાવે છે કે, સાચું કહું તો સ્કૂલમાં ડ્રામામાં રહેતા વિદ્યાર્થીઓને અમુક પિરિયડ ભરવામાંથી મુક્તિ મળતી અને મેં એ મુક્તિ મેળવવા જ એક્ટિંગ શરૂ કરી હતી. પણ ધીરેધીરે મને સમજાઈ ગયું કે હું અભિનય માટે જ સર્જાયો છું.

ફિલ્મ શૂટિંગ દરમિયાન થયેલી ચોટદાર ક્ષણ જણાવતાં રૌનક કામદાર જણાવે છે કે, પ્રથમ ફિલ્મ ‘કાઈપો છે’માં સુશાંતસિંહ રાજપૂત સાથેનું એક દૃશ્ય હું આજીવન નહીં ભૂલી શકું… ફિલ્મના સીન મુજબ સુશાંત મને એક જોરદાર થપ્પડ મારે છે અને મારે પછી ત્યાંથી કારમાં તુરંત ભાગી જવાનું છે. હવે બન્યું એવું કે આ સીન એકદમ ક્લોઝઅપ લેવાનો હોવાથી સુશાંત જજમેન્ટ લઈ શક્યો નહીં, અને સાચ્ચે જ સુશાંતનો હાથ મારા નાક સાથે જોરદાર અથડાયો.

તમે નહીં માનો મને બે ઘડી તમ્મર આવી ગયા, છતાં મેં ગાડીમાં બેસીને ભાગી જવાનો  મારો આગળનો  સીન ભજવ્યો. જો કે એ પછી નાકમાંથી જે લોહી વહેવા લાગ્યું. આખા સેટ પર ઘડીક તો ગભરાટનો માહોલ ફેલાઈ ગયો. આ ઘટના એટલા માટે આજીવન યાદ રહેશે કારણ કે સુશાંતના તમાચાથી મારું નાક હજુ પણ સહેજ વાંકું છે.

રૌનક કામદાર ટૂંક જ સમયમાં જ એક હોરર શોર્ટ ફિલ્મ લાવી રહ્યા છે, જે ખરેખર એક પ્રયોગ છે.