હું મ્યુઝીક સાથે રહેવા જ સર્જાયેલો છું: આકાશ શાહ

0
305

ફિલ્મ હોય કે નાટક પાત્રો, ડાયલોગ્સ, હાવભાવ, વેશભૂષા, લાઇટ્સ, અવાજ જેટલા મહત્વના છે એટલું જ તેનું મ્યુઝીક પણ મહત્વું છે. એમ કહી શકાય કે કોઇ ફિલ્મનું મ્યુઝીક એ તેનું હ્યદય છે. મ્યઝીકનું સર્જન મ્યુઝીક ડાયરેક્ટર કરે છે. તો આવો મળીયે એક આવા જ સંગીતનાં નિષ્ણાંત એવા આકાશ શાહને…

પ્રશ્ન- બાળપણમાં સંગીત શીખવાની શરૂઆત કઈ રીતે થઈ ?

મારો જન્મ અમદાવદમાં થયો છે. મને નાનપણથી જ મ્યુઝીકનો શોખ હતો. કારણ કે મારા પિતા હારમોનીયમ ખૂબ જ સુંદર વગાડતા હતા. હું તેમને હંમેશા સાંભળતો અને મને એ ખૂબ જ ગમતું હતું. મારા પપ્પાનું મનગમતું  ગીત મે દુનિયા ભૂલા દુંગા હતું અને એ જ કારણે હું જ્યારે પણ હારમોનિયમ વગાડું  ત્યારે એ જ ગીત વગાડતો. જ્યારે અમે સેટેલાઇટ વિસ્તારમાં રહેવા આવ્યા ત્યારે ત્યાં મેં ઇલેકટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ જોયા અને મને એ શીખવાની ઇચ્છા થઇ. લગભગ દસમાં ધોરણમાં મેં કીબોર્ડ શીખવાની શરૃઆત કરી. ત્યાર બાદ બારમાં ધોરણમાં મુબઇમાં બેની ડિસોઝાની જોડે પિયાનો પર વેસ્ટન ક્લાસીકલ મ્યુઝીક શિખવાની શરૃઆત કરી. કોલેજ પુરી કર્યા બાદ હું તેમની પાસે મ્યુઝીક શીખવા જતો.

પ્રશ્ન – આગળ કેવી રીતે વધ્યા ?

હું કોલેજના છેલ્લા વર્ષમાં હતો ત્યારે મારા નાટ્ય ક્ષેત્રમાં પ્રવેશવાની શરૃઆત થઇ. ત્યારે પ્રથમવાર મેં એક નાટકમાં મ્યુઝીક આપ્યું. એ નાટકનું નામ હતું નરક દર્શન . આ નાટકમાં મારે લાઇવ બેકગ્રાઉન્ડ આપવાનું હતું. એ નાટકના લગભગ 50 જેટલા શો મેં કર્યા. પછી ધીમે ધીમે મેં કોમર્શિયલ નાટક કરવાની પણ શરૃઆત કરી. મારું પ્રથમ કોમર્શિયલ નાટક સાસુ વહુની સંતા કુકડી. જેના 300 જેટલા શો પૂરા થયા છે. હરિન ઠાકર જેવા દિગ્દર્શક  સાથે મેં કામની શરૃઆત કરી. આ નાટકનાં મ્યુઝીકમાં મેં દિવસ રાત ખૂબ જ મહેનત કરી અમે મારી મહેનત સફળ પણ નિવડી. ધીમે ધીમે મને બીજા શો પણ મળતા ગયા. મારા એન્જિનિયરીંગની સાથે સાથે હું નાટકોમાં મીમીક્રીમાં વોઇસ કરતો હતો, એન્કરીંગ કરતો હતો અને ઓરકેસ્ટ્રામાં મને મીમીક્રી સાથે એન્કરીંગનો ચાન્સ મળ્યો. હરીન ઠાકર સાથે મેં ડ્રામામાં પણ કામ કર્યું છે. જેમાં મેં એક સાથે પાંચથી છ કેરેક્ટર ભજવ્યા હતાં. ત્યાર બાદ મેં એમબીએ કર્યું અને માર્કેટીંગની સાથે સાથે મેં વેસ્ટન ક્લાસિકલ મ્યુઝીક જે ટ્રીનીટી કોલેજ ઓફ લંડનથી કરી રહ્યો હતો. કોલેજ દરમિયાન મે ઘણાં બધા શો કર્યા. આ શોમાં મારા કીબોર્ડનાં ઘણાં બધાં વખાણ થયાં કે હું તે ઘણું સારું વગાડું છું.

પ્રશ્ન તમારા સંર્ષની ગાથા જણાવશો

દરેક વ્યક્તિને પોતાની ફિલ્ડમાં સંઘર્ષનો સામનો કરવો જ પડ્યો હોય છે. તેના વગર એ આગળ આવી શકતો નથી. એક પ્રોજેક્ટર અને બે કોમ્પ્યુટર પર મેં કામની શરૃઆત કરી હતી. ત્યારે પણ મેં સારામાં સારુ મ્યુઝીક આપ્યું હતું અને આજે પણ હું મારું બેસ્ટ આપવાનો પ્રયત્ન કરું જ છું. એવું કહી શકું કે આર્થિક રીતે મારે એટલી તકલીફોનો સામનો નથી કરવો પડ્યો પરંતુ સંગીતનાં ક્ષેત્રમાં મારી એવી ઇચ્છા હતી કે હું મારું સારામાં સારું પર્ફોમન્સ આપું. એટલે જ હું હંમેશા કંઇને કંઇ નવા પ્રયોગો કરતો રહુ છું. મને વિનસમાં અમિત પટેલ અને સી.એમ સર દ્વારા યુનાઇટેડટ્સ ઓફ ગુજરાત કરીને સિરિયલમાં કામ મળ્યું જેના મે આશરે 90 જેટલા એપીસોડ કર્યા. ત્યાર બાદ લોકો મને મ્યુઝીક ડાયરેક્ટર તરીકે ઓળખતાં થયાં. પછી ધીમે ધીમે મને ખૂબ  કામ મળવા લાગ્યું. ઘણી વાર એક સાથે હું ત્રણ સિરિયલ કરતો હતો કભી કભી, ડોક્ટરની ડાયરી અને સગપણ એક ઉખાણું જે ધારાવાહીક હતીઆ સમય દરમિયાન મને મુંબઇથી કેટલીક ઓફર આવી અને હું મુંબઇ ગયો. જ્યાં મે આશરે ત્રણેક વર્ષ કામ કર્યું. તે દરમિયાન મને અમદાવાદમાં એક પ્રોજેક્ટ મળ્યો. એટલે હું પાછો અમદાવાદ આવ્યો. સાથે સાથે હું રીકો ઇન્ડસ્ટ્રીમાં નોકરી પણ કરતો હતો. હું ગુજરાતનો માર્કેટીંગ હેડ હતો. પરંતુ મ્યુઝીક પ્રત્યેનો મારો લગાવ મને ઘણો આગળ લઇ ગયો હતો. મારે આ બંનેમાથી કોઈ એક ક્ષેત્રને પસંદ કરવાનું હતું અને અંતે મેં જોબ છોડી દિધી. ત્યાર બાદ મારા ઘરમાં જ મેં નાનો સ્ટુડિયો શરું કર્યો. નાટક અને સિરિયલ્સની સાથે સાથે ડોક્યુમેન્ટ્રી ફિલ્મોનું, કોર્પોરેટ ફિલ્મો, ફિચરફિલ્મ, શોર્ટફિલ્મ અને ઝીંગલ્સ બનાવવાનું તે દરેક પ્રકારનું કામ આવવા લાગ્યું.

પ્રશ્ન તમારા જીવનના સિદ્ધાંત વિશે જણાવશો

મ્યુઝીક ફિલ્ડમાં મને 16થી 17 વર્ષ થઇ ગયા છે અને હું મારા જીવનમાં પાંચ સિધ્ધાતોને અનુસરુ છું. ધિરુંભાઇ અંબાણીએ આપ્યા છે. 1) હંમેશા પોઝીટીવ રહો અને પોઝીટીવ વિચારો. 2) મારા કોઇ પણ કામની પાછળ એક લક્ષ્ય અવશ્ય હોવું જોઇએ. 3) હંમેશા સારી ટીમ બનાવી તેને સાથે રાખી ચાલો. 4) તમને સફળતા ન મળે તો તે કામ છોડો નહી તેની પાછળ લાગેલા રહો, એક ને એક દિવસ તમને સફળતા મળશે. 5) તમે હંમેશા જેની સાથે કામ કરો તેને પાર્ટનર કે ભાગીદાર બનાવીને જ કામ કરો.

પ્રશ્ન – પ્રસિધ્ધનો શ્રેય કોને આપો છો ?

દરેક વ્યક્તિ જે ગમે તે હોય એક્ટર, રાઇટર , મ્યુઝીક ડાયરેક્ટર દરેકનું 100 ટકા યોગદાન હોય તો જ એ નાટક સક્સેસફુલ થાય છે. માટે હું માનું છું કે જે પણ કામ કરો તેમાં કમારું 100 ટકા યોગદાન આપો. જેથી દર્શકો અને નાટકના સર્જકો બંનેને પોતપોતાનું કાર્ય કરવાની મજા આવે.

પ્રશ્ન – ફિલ્મ, સિરિયલ અને નાટક આ ત્રણેનાં મ્યુઝીકની વ્યાખ્યા કઇ રીતે કરી શકાય ?

નાટકનું મ્યુઝીક, સિરિયલનું મ્યુઝીક અને ફિલ્મનું મ્યુઝીક આ ત્રણેયનાં મ્યુઝીકમાં જમીન આસમાનનો ફેર હોય છે. નાટકના મ્યુઝીકમાં જે રીતનો સીન હોય તે સાંભળીને તમારે તેનું મ્યુઝીક ક્રીએટ કરવાનું હોય છે. સાથે સાથે નાટકનાં મ્યુઝીકમાં દરેક બાબત ટાઇમીંગની સાથે સંકળાયેલી છે. પંચ લાઇન હોય કે એન્ટ્રી તે બધુ જ ટાઇમીંગ સાથે જોડાયેલ છે. નાટકના મ્યુઝીકની ડિઝાઇન અલગ રીતે કરવામાં આવે છે. નાટકમાં આવતા શબ્દો, સંગીત, ગીત, પ્રસંગ એ નાટકમાં બીજા કરતા અલગ હોય છે. નાટકનું મ્યુઝીક ઘણી વાર સીંગલ ઇનસ્ટ્રુમેન્ટ પર પણ ઘણું બઘું કહી દે તેવી રીતે સર્જવામાં આવે છે. ફિલ્મનું મ્યુઝીક લેયર્સ સાથે જોડાયેલું છે. ફોલી સાઉન્ડ ઇફક્ટ હોય કે બેકગ્રાઉન્ડ મ્યુઝીક, તે ફિલ્મમાં એક લય જાળવી રાખે છે. ડોક્યુમેન્ટ્રી મ્યુઝીક એ કોઇની સફર વિશેની વાત છે. તેમાં જે તે વ્યક્તિને ધ્યાનમાં રાખીને તેનું મ્યુઝીક કરવાનું હોય છે. સિરિયલમાં નવ રસને ધ્યાનમાં રાખીને મ્યુઝીક બનાવવાનું હોય છે. જેમાં તમારે એક થીમ ડિઝાઇન કરવી પડે. મને સસ્પેન્સ, થ્રીલર, કોમેડી પ્રકારનું મ્યુઝીક કરવું વધારે ગમે છે.

પ્રશ્ન – અત્યાર સુધીમાં કેટલી ફિલ્મો, નાટકો, અને સિરિયલ્સ કરી છે. તેમાં તમારા ફેવરેટ કયા ?

મેં ઘણાં બધા નાટકો કર્યા છે. તેમાં મને સાસુ વહુની સંતાકુકડી વધારે ગમે છે. એ સીવાય મને એમ પૂછીને થાય નહીં પ્રેમ એ ગમે છે.  જે પણ નાટકમાં મારે ખૂબ જ મહેનત પડે અને એક લર્નીંગ પ્રોસેસ બની જાય તે નાટક મારુ ફેવરિટ હોય છે.  કારણ કે તેમાં મને કામ કર્યાનો અને મારી કરેલી મહેનત સફળ થયાનો સંતોષ હોય છે. મેં હૃદય ત્રિપુટી કરીને એક નાટક કરેલું. જે કવી કલાપીના ગીતોને આધારીત હતું. ત્યાં સુધી મેં મોટા ભાગે જેટલા પણ નાટકો કર્યા હતાં તેમાં ઇન્ડો વેસ્ટન સંગીત વપરાતું હતું, જ્યારે આ નાટક હિસ્ટોરીકલ હતું જેમાં મારે કેટલાક વાજીંત્રોનું ખાસ ધ્યાન આપવાનું હતું. આ નાટકમાં મેં લગભગ 13 જેટલા કલાપીના ગીતોનો સમાવેશ કર્યો તો જેમાં તેમના જીવનના શરૃતના તબક્કાથી લઇને તેમના છેલ્લા દિવસો સુધીની સફર વર્ણવાની હતી. જેમાં પખાવજ, તબલા, સીતાર, બંસી જેવા વાજીંત્રોનો જ ઉપયોગ કરવાનો હતો. તે એક નવો અનુભવ જ હતો મારા માટે.

પ્રશ્ન – નાટક, ફિલ્મ અને સિરિયલ્સ.. આ ત્રણમાંથી તમને કયું વધુ પસંદ છે ?

વીર હમીરજી ફિલ્મ માટે મને બેસ્ટ બેકગ્રાઉન્ડ સ્કોરનો અવોર્ડ મળ્યો છે. જલસા, ફેકબુક ધમાલ, નિલકંઠ, તમારા વિના અમારું કોણ, તમારા હમ મને બહું વાલા લાગે રેજેવી ફિલ્મો કરી છે પરંતુ મને આજે પણ થિયેટર પ્રત્યે વધારે લગાવ રહ્યો છે.

પ્રશ્ન – ગુજરાતી ફિલ્મમાં એક્ટિંગ વિશે શું કહેવું છે ?

મેં ગુજરાતી ફિલ્મોમાં કામ કરવાની શરૂઆત કરી છે. મારી ડેબ્યુ ફિલ્મ કુટુંબ છે. જેમાં મેં નેગેટીવ કેરેક્ટર ભજવ્યું છે. પ્રથમ ફિલ્મમાં નેગેટીવ કેરેક્ટર એટલા માટે ભજવ્યું કે આ કેરેક્ટર સ્ટાઇલીશ છે. મ્યુઝીક ડાયરેક્ટર જ છે. હવે મને આગળ બીજી ત્રણ ફિલ્મોની પણ ઓફર મળી છે.

પ્રશ્ન – આ ક્ષેત્રમાં જેને આવવું હોય તેના માટે શું માર્ગદર્શન આપશો ?

સંગીતના ક્ષેત્રે જેને પાતાની કારકીર્દિ બનાવવી હોય તેને નાટકના મ્યુઝીકમાં આટલું ધ્યાન રાખવું જોઇએ... જેટલું બને એટલા નાટકો જોવા પડે , સારા લીસનર બનવું પડે, જેટલું બને એટલું રીસર્ચ કરવું પડે, અલગ અલગ પ્રકારના સંગીતનો અભ્યાસ કરવો પડે. વેરીયસ અને વેરાયટી ઓફ મ્યુઝીકનું જ્ઞાન હોવું જરૃરી છે એટલે વારંવાર અભ્યાસ કરવો પડે. અગ્રંજી પ્લે જોવાની આદત કેળવવી જોઇએ જેમાં સારા મ્યુઝીકની ડીઝાઇન અલગ રીતે કરેલી હોય છે તેનું નોલેજ મળે છે. આ સાથે યુટ્બ પરથી પણ હવે ટુટોરીલ પર જોઇ તમારે શીખવું હોય તો તમે શીખી શકો છો.

ઋતુલ સુથાર