Home Featured ‘હંગામા હાઉસ’થી ગુજરાતી ફિલ્મ જગતમાં ડેબ્યુ કરનાર જીતકુમાર સાથે વિશેષ વાતચીત

‘હંગામા હાઉસ’થી ગુજરાતી ફિલ્મ જગતમાં ડેબ્યુ કરનાર જીતકુમાર સાથે વિશેષ વાતચીત

0

13 સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહેલી ગુજરાતી ફિલ્મ ‘હંગામા હાઉસ’માં લીડ રહેલ ભજવી રહેલ જીતકુમાર આ ફિલ્મથી ગુજરાતી સિનેમા જગતમાં પદાર્પણ કરી રહ્યાં છે. ફિલ્મીકાફે સાથેની વિશેષ વાતચીતમાં જીતકુમારે અનેક રોચક વાતો જણાવી હતી.

મોડેલથી કારકિર્દીની શરૂઆત કરનાર જીતકુમાર અનેક કંપનીના બ્રાન્ડ એમ્બેસેડેર રહી ચુક્યા છે. સાથે જ તેમણે અનેક સ્થાનિક જાહેરાતોમાં પણ કામ કર્યું છે. તો હવે તેમણે હંગામા હાઉસથી ગુજરાતી ફિલ્મોમાં ડેબ્યુ કર્યું છે.

છેલ્લા કેટલાક સમયથી ફિલ્મમાં કોઈ સારા પાત્રની શોધ કરી રહેલ જીતકુમારે જણાવ્યું હતું કે, ‘હંગામા હાઉસના ફિલ્મ ડાયરેક્ટર હનીફ છીપાએ ફિલ્મની વાર્તા મને સંભળાવી અને ફિલ્મમાં લીડ રોલ માટે મને ઓફર કરી. ફિલ્મની વાર્તા કોમેડી હોવાથી મને પસંદ આવી અને મને લાગ્યું કે મને જે રોલ ઓફર કરવામાં આવ્યો છે તે હું સારી રીતે ભજવી શકીશ. તેથી મેં ફિલ્મમાં કામ કરવા માટેની હા પાડી દીધી.’

હંગામા હાઉસ ફિલ્મ વિશે માહિતી આપતાં જીતકુમારે જણાવ્યું હતું કે, ‘ફિલ્મનું શૂટિંગ 32 દિવસમાં પૂર્ણ થયું હતું. સંપૂર્ણ પારિવારિક અને કોમેડીથી ભરપૂર આ ફિલ્મમાં એટલા બધા જબરજસ્ત ડાયલોગ્સ છે કે જે દર્શકોને હસાવવામાં સફળ રહેશે. ’

ફિલ્મના શૂટિંગ વિશે માહિતી આપતાં જીતકુમારે જણાવ્યું હતું કે, ‘આ ફિલ્મની ખાસિયત એ છે કે તેમાં અમદાવાદના જાણીતા સ્થળ કાંકરિયાને ખુબ જ સુંદર રીતે દેખાડવામાં આવ્યું છે. સવારે સાત વાગ્યે કાંકરિયા કેવું દેખાય છે અને રાત્રે 10 વાગ્યે તેનો નજારો કેવો હોય છે તેને ખુબ જ સુંદર રીતે કેમેરામાં કંડારવામાં આવ્યું છે.’

ફિલ્મના કલાકારો વિશે વાત કરતાં જીતકુમારે જણાવ્યું હતું કે, ‘હંગામા હાઉસ ફિલ્મમાં અનેક મોટા ગુજરાતી કલાકારો ચેતન દૈયા, ચિની રાવલ, હેમંત ઝા, જીજ્ઞેશ મોદી, હરીશ ડાગિયા વગેરે જોવા મળશે. આ ફિલ્મમાં ગરબા ક્વીન ફાલ્ગુની પાઠકનું એક ગરબા સોંગ છે અને તેઓ પણ આ ફિલ્મથી ગુજરાતી ફિલ્મ જગતમાં પદાર્પણ કરી રહ્યાં છે. ’

હંગામા હાઉસની રિલીઝની ખુબ જ આતુરતાથી રાહ જોઈ રહેલ જીતકુમારે ગુજરાતના દર્શકોને આ કોમેડી અને ફૂલ એન્ટરટેનમેન્ટ મુવીને થિયેટરમાં જઈને જોવાની અપીલ કરી છે.