ગુજરાતી ફિલ્મ ‘G’નું દમદાર ટ્રેલર લોન્ચ, ફિલ્મની સ્ટાર કાસ્ટે શેર કર્યા અનુભવો

0
152

‘રાજ્યમાં દારૂબંધી છે, જગ્યાએ – જગ્યાએ નાકાબંધી છે તો ગુજરાત માં દારૂ આવ્યો ક્યાંથી?’ ‘જે કાયદામાં રહેશે એ ફાયદામાં રહેશે’ જેવા દમદાર ડાયલોગ્સ સાથે ગુજરાતી ફિલ્મ ‘G’નું ટ્રેલર લોન્ચ થયું છે.

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ બુટલેગરો દ્વારા દારૂનો ધંધો કરવામાં આવે છે. જો કોઈ ઈમાનદાર પોલીસ ઓફિસર આવા બુટલેગરોને રોકવાનો પ્રયાસ કરે છે તો તેમનું પરિણામ ભયંકર આવે છે. તે છતાં દારૂના આ કાળા કારોબારને રોકવા માટે એક ઈમાનદાર પોલીસ ઓફિસર ગજબની હિંમત દાખવે છે અને ત્યાર બાદ શરૂ થયા છે પોલીસ અને બુટલેગરો વચ્ચેનું ઘર્ષણ. આવી જ કંઈક સ્ટોરી લઈને આવી રહ્યાં છે ફિલ્મના ડાયરેક્ટર અને પ્રોડ્યુસર મહેન્દ્ર પટેલ.

ફિલ્મનું ટ્રેલર જોતાં લાગી રહ્યું છે કે ખરેખર આ ફિલ્મ ઉચ્ચકક્ષાની હોઈ શકે. કેમ કે ફિલ્મમાં એક્શન, થ્રિલ, ડ્રામા, રોમાન્સ બધુ જ છે. આશાદીપ સિને પ્રોડક્શનના બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મમાં દર્શકોને પસંદ આવે તેવા તમામ પાસાઓને આવરી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તેવું લાગે છે.

ડિજીટલ પ્લેટફોર્મ પર રાજ કરનાર અન્વેશી જૈન અને ચિરાગ જાની ગુજરાત ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પદાર્પણ કરવા જઈ રહ્યાં છે. અભિમન્યુ સિંહ અને આકાશ ઝાલા ખલનાયકના રોલમાં એકદમ પરફેક્ટ જામે છે.  

ફિલ્મમાં એસીપી સમ્રાટનું પાત્ર ભજવી રહેલ ચિરાગ જાનીએ જણાવ્યુ હતું કે, ફિલ્મમા તેઓ એક ઈમાનદાર અને કડક પોલીસ ઓફિસરનું પાત્ર ભજવી રહ્યાં છે. ફિલ્મના પાત્ર વિશે વધુ વાત કરતાં તેમણે ફિલ્મીકાફેને જણાવ્યું  હતું કે, ‘આ પાત્ર ભજવવા માટે મેં અનેક પોલીસ ઓફિસરોને ફોલો કર્યા હતા. બે-ત્રણ દિવસ સુધી એક પોલીસ ઓફિસર સાથે પણ રહ્યો હતો જેથી કરીને તેમની બોડી લેંગ્વેજને જાણી શકું. જ્યારે એક પોલીસ ઓફિસર પરિવાર સાથે હોય ત્યારે કેવું વર્તન કરે છે અને પોલીસ સ્ટેશનમાં ક્રીમિનલ સાથે કેવું વર્તન કરે છે તે બધુ જ શીખ્યો હતો.’  આ વિશે વધારે વાત કરતાં ચિરાગે જણાવ્યું હતું કે, મેં દક્ષિણની અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ મારે ગુજરાતી ફિલ્મમાં કામ કરવાની ઈચ્છા હતી. અને જ્યારે આ ફિલ્મની વાર્તા મેં સાંભળી તો મને તે દમદાર લાગી અને મેં તેના માટે તરત હા પાડી દીધી. ‘

બે વેબ સિરીઝમાં કામ કરી ચુકેલ અન્વેષી જૈને જણાવ્યું હતુ કે, ‘મારી આ પ્રથમ ફિલ્મ છે અને મને ગુજરાતી ફિલ્મમાં કામ કરીને ખુબ જ આનંદ થયો છે. આ ફિલ્મમાં હું એક સ્કૂલ ટીચરનો રોલ ભજવી રહી છું. આ ફિલ્મની સ્ટોરી ખુબ જ સ્ટ્રોગ છે. જે તમને હસાવશે, રડાવશે અને આશ્ચર્યચકિત પણ કરશે. ‘

ફિલ્મમાં અઘોરનું નેગેટીવ પાત્ર ભજવી રહેલ આકાશ ઝાલાએ ફિલ્મીકાફે સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ‘મને નેગેટીવ પાત્ર ભજવવા ઘણા પસંદ છે.  હું છેલ્લા દસ વર્ષથી  આ પ્રકારનું પાત્ર ભજવવા માંગતો હતો. મારી ઈચ્છા આ ફિલ્મમાં પુરી થઈ છે. આ ફિલ્મમાં હું સ્ટારડમવાળી લાગણી અનુભવી રહ્યો છું. જોકે આગામી ફિલ્મોમાં દર્શકો મને વિવિધ શેડમાં જોશે. ‘