25 વર્ષનાં વિવાહીત જીવન બાદ પીઢ બનેલા એક પરિપક્વ આધેડ અને જીવનનાં 25 માં વર્ષે પોતાનો પ્રેમ ગુમાવી ચૂકેલો એક યુવાન એકબીજાને પાર્કમાં મળે છે.અને અહીથી શરૂ થાય છે અતીત અને વર્તમાનને સાંકળતી એક રોચક કહાની.
એકના સબંધોમાં બધુ જ કડવું લીમડા જેવુ છે તો બીજાનાં સબંધોમાં તમામ સંજોગો મીઠા મધ જેવા છે.કડવા સબંધો વાળો માણસ સુમધુર યુવાનથી
પ્રભાવિત થાય છે.અને 25 વર્ષ જૂના સબંધોમાં પણ મીઠી ચાસણી ઘોળવાનો પ્રયત્ન કરે છે અને રોજબરોજનાં જીવનમાં આ કીમીયાઓનું અમલીકરણ કરે છે.
એક તરફ વિવાહીત જીવનમાં પ્રેમની ચાસણી ઘટ્ટ થાય છે તો બીજી તરફ યુવાનની ખૂબસૂરત પ્રેમકહાનીમાં પાનખર આવવા લાગે છે.થોડા સમય બાદ બંનેનું જીવન વર્તમાનમાં આવી પહોંચે છે.જ્યાં ચાસણીની વાર્તા એક રોચક વણાંક લે છે અને યુવાનને તેણે ગુમાવેલો પ્રેમ પરત મળે છે.દરેક ફિલ્મી વાર્તાઓની જેમ ચાસણી પણ એક સુખદ અંત સાથે પૂરી થાય છે.પણ આ સૂખદ અંત પહેલા ઘટતી નાટ્યાત્મક ઘટનાઓ અને રોચક વણાંકો વાળી પ્રેમકહાનીને જોવા તમારે ચાસણીનો સ્વાદ ચાખવો જ પડશે
ફિલ્મનાં પટકથા લેખક વીરેંદ્ર વશિષ્ઠ,મંથન અને અભિન્ન ચાસણી ફિલ્મની ટેગલાઈન મીઠાશ જીંદગીની- ને પકડીને શરૂઆતથી અંત સૂધી ચાલે છે.જે પ્રશંસનીય વાત છે.દિગ્દર્શક અભિન્ન શર્મા અને મંથન પૂરોહિતે કલાકારો પાસે ઉત્તમ કક્ષાનો અભિનય કરાવ્યો છે.પટકથા સંપાદન પણ માવજતપૂર્વક કરાયુ છે.જે દર્શકોને શરૂઆતથી અંત સૂધી વાર્તા સાથે જકડી રાખે છે.આ સિવાય સંવેદનશીલ સીન જે રીતે લખવામાં આવ્યા છે તેવી જ રીતે પડદા પર પણ ઉતારવામાં આવ્યા છે.નવી પેઢી અને જૂની પેઢી વચ્ચે સંવાદ સ્થાપી પ્રેમકહાનીનાં નિર્માણનો આ વિચાર જ ઉમદા અને નવીનતમ છે.
મનોજ જોશીએ રમણીક અને દિવ્યાંગ ઠક્કરે રાહુલનાં પાત્રમાં જીવ રેડી દીધો છે.ભલે મનોજ જોશી એક પીઢ અભિનેતા છે પણ દિવ્યાંગનો અભિનય પણ લાજવાબ છે.સેજલ શાહે પણ ઉત્કૃષ્ઠ અભિનય કર્યો છે.ખાસ કરીને ભાવનાત્મક સીનમાં તે નિખરી આવે છે.માઈરા દોશી ગૂજરાતી ફિલ્મો માટે એક નવો ચહેરો જરૂર છે પણ આ ફિલ્મ થકી માઈરા ગૂજરાતી સિનેમામાં પોતાની આગવી ઓળખ ચોક્કસ ઉભી કરશે
અંતમાં એવુ કહી શકાય કે ઘણા સમયથી ઉમદા ગૂજરાતી ફિલ્મની રાહ જોતા ગૂજરાતી દર્શકો માટે ચાસણી ખરેખર મીઠા મધ સમાન છે.સબંધો અને ભાવનાઓને સમજાવતી ચાસણી એક મનોરંજક અને રોચક ફિલ્મ જરૂર છે.બીજા શબ્દોમાં કહીએ તો આ ફિલ્મ ફીકા પડેલા સબંધોમાં પ્રેમનાં નવીન રંગ જરૂર ભરે છે.