વિજયગીરી બાવા દ્વારા નિર્મિત અને નિર્દેશિત:ગુજરાતી ફિલ્મ મોન્ટુ કી બિટ્ટુ રિલીઝ થઈ છે. સંપૂર્ણ પારિવારીક આ ફિલ્મમાં લવ ટ્રાયેંગલ, ઈમોશન, ડ્રામા અને હાસ્યની ભરમાર છે. દરેક પાત્રોએ પોતાનો રોલમાં જીવ રેડી દીધો છે.
સ્વતંત્ર વિચારો ધરાવતી બિટ્ટુ (આરોહી પટેલ)ને જમનામાસી (પિન્કી પરીખ) દ્વારા હંમેશા લગ્ન માટે દબાણ કરવામાં આવે છે. અનેક છોકરાઓને રિજેક્ટ કરી ચુકેલી બિટ્ટુને યોગ્ય વર મળતો નથી. સંકટ સમયની સાંકળ એટલે કે મોન્ટુ (મૌલિક નાયક) બિટ્ટુનો નાનપણનો મિત્ર હોવાની સાથે સાથે તેને મનોમન પ્રેમ કરતો હોય છે. પરંતુ હંમેશા પોતાના હોપમાં એચ કેપિટલ રાખનાર મોન્ટુ પોતાના પ્રેમને વ્યક્ત કરતાં ખચકાટ અનુભવે છે. દડી એટલે કે (હેમાંગ શાહ) મોન્ટુને બિટ્ટુને પ્રપોઝ કરવા માટે અવનવા નુસખા આપે છે. ત્યારે ખુબ જ રમૂજ સર્જાય છે. જેટલી વખત દડી સ્ક્રીન પર આવશે એટલી વખત તે દર્શકોને પેટ પકડીને હસાવશે.
પોતાને માધુરી દિક્ષીત સમજતી બિટ્ટુની મમ્મી મોહિની (હેપ્પી ભાવસાર)ની એક્ટિંગ પણ ખુબ જ વખાણવા લાયક છે. ચિત્રકારના રૂપમાં અભિનવ (મેહુલ સોલંકી)એ પણ એકદમ ગંભીર એક્ટિંગ કરી છે. ઘણાં સમય પછી ફરી ગુજરાતી ફિલ્મોમાં કમબેક કરનાર પિન્કી પરીખની એક્ટિંગ દાદ માંગી લે તેવી છે. તો નવોદિત અભિનેત્રી બંસી રાજપૂતે ‘મોન્ટુની બિટ્ટુ’ ફિલ્મથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું છે. પરંતુ કોઈ જ ના કહી શકે કે તેની આ પ્રથમ ફિલ્મ હશે. એટલો સુંદર અભિનય છે.
ફિલ્મની સ્ટોરી રામ મોરી દ્વારા લખવામાં આવી છે જે ખુબ જ સુંદર છે. ફિલ્મનું ડાયરેક્શન ખુબ જ સુંદર કરવામાં આવ્યું છે. અમદાવાદની પોળની લાઇફને હુબહુ દેખાડી છે. ફિલ્મનો સ્ક્રીન પ્લે અને કેમેરા વર્ક પણ અદભૂત છે. ફિલ્મનું મ્યુઝીક ખુબ જ રોમાંચક છે. ખાસ કરીને ભદ્રકાળી અને રંગ-દરિયો ગીતો એકદમ સુપર્બ છે. પરંતુ ઇન્ટરવલ પછી ફિલ્મ થોડીક ધીમી પડી જાય છે. મોન્ટુ અને બિટ્ટુ વચ્ચેનું કનેક્શન ઓછુ દેખાય છે.
અંતે સંપૂર્ણ પારિવારિક આ ફિલ્મ એક વખત તો જોવા જેવી ખરી જ. આ ફિલ્મ કોઈ સામાજીક સંદેશ તો નથી આપતી પરંતુ હા તમને મનોરંજન ચોક્કસથી કરાવશે.