Saturday, December 21, 2024
HomeInterviewસંજય ગોરડિયા સાથે વિશેષ વાતચીત

સંજય ગોરડિયા સાથે વિશેષ વાતચીત

રંગમંચના બેતાજ બાદશાહ અને કોમેડી કિંગની ઉપાધિ મેળવી ચુકેલ સંજય ગોરડિયાએ તેમની ડાયરેક્ટરની કારકીર્દી દરમિયાન સમાજને સંદેશ આપતાં અનેક નાટકો બનાવ્યા છે. સંજય ગોરડિયાએ ફિલ્મીકાફે સાથેની મુલાકાતમાં તેમના જીવનના અનેક સંસ્મરણો વાગોળ્યા હતા.  

રંગમંચના શરૂઆતના દિવસોને યાદ કરતાં સંજય ગોરડિયા જણાવે છે કે, શરૂઆતમાં રંગમંચમાં ખુબ જ સંઘર્ષ કર્યો. શરૂઆતમાં નાટક કરવા જતો હતો ત્યારે પોતાના ખિસ્સામાંથી ખર્ચો કરવો પડતો હતો. જોકે રંગમંચ એ મારો પસંદગીનો વિષય રહ્યો છે.

આ ક્ષેત્રમાં હું એક્ટર બનવા આવ્યો હતો, પરંતુ મારાથી સારા દેખાતા લોકોને મેં જોયા તો પ્રોડ્યુસર બનાવનું નક્કી કરી લીધું. પ્રોડ્યુસર બન્યો તેની વચ્ચે મ્યુઝીક ઓપરેટર, બેક સ્ટેજ વર્ક બધુ જ કર્યું. ટુંકમાં રંગભૂમિના તમામ પાસાઓનો અભ્યાસ કર્યો. એટલા માટે મારો પાયો મજબુત બન્યો અને મારી કારકીર્દીને વધારે સક્ષમ બનાવી શક્યો.

શરૂઆતના દિવસોમાં એક તરફ મેડિકલ સ્ટોરમાં નોકરી અને બીજી તરફ રંગમંચ. આ બંને વચ્ચે સાંમજસ્ય સાધવું થોડુક અઘરું હતું. શરૂઆતમાં તો હું મેડિકલ સ્ટોરમાંથી ખોટુ બોલીને નાટકો કરવા જતો હતો. બાદમાં મેં જ્યારે મારા શેઠને આ અંગે વાત કરી તો તેમણે મને કહ્યું કે આ બંને વસ્તુ સાથે નહીં કરી શકે. આ નાટકોને આ બધુ લાંબો સમય નહીં ચાલી શકે. ત્યાર બાદ અનેક સમસ્યાઓ શરૂ થઈ અને આખરે એક દિવસ મેં નોકરી છોડી દીધી. ત્યારથી હું સંપૂર્ણપણે રંગભૂમિને સમર્પિત થઈ ગયો.

સંઘર્ષના દિવસોને યાદ કરતાં સંજય ગોરડિયા જણાવે છે કે, આ સમયગાળા દરમિયાન મને પરિવારમાંથી સંપૂર્ણ સહયોગ મળ્યો હતો. મારા પરિવારમાં દૂર દૂર સુધી કોઈપણ વ્યક્તિ  આ ફિલ્ડ સાથે સંકળાયેલું નહોતું. બીજું કે મારું ઘર ચલાવવા માટે મારી પર પૈસા આપવાનું દબાણ નહોતું. એટલે મારે માત્ર મારો જ ખર્ચો કાઢવાનો હતો. મેં મારા જીવનમાં પૈસા કમાવવા માટે રંગમંચ શરૂ નહોતું કર્યું. અભિનય એ મારો શોખ હતો. અને દિવસે દિવસે હું એમાં ઉંડો ઉતરતો ગયો.

નાટક લાઈનમાં ભાષાનું જ્ઞાન ખુબ જ જરૂરી છે પરંતુ હું ભણેલો નહોતો એટલે ગુજરાતી ભાષા પર મારો કમાન્ડ નહોતો. શરૂઆતમાં મને ‘શ, સ અને ષ’ વચ્ચેનો ભેદ પણ ખબર નહોતી. ધીરે ધીરે હું ભાષા પર કમાન્ડ મેળવતો ગયો અને જાગૃત રહીને તેનો અભ્યાસ કરતો ગયો. મેં ક્યારેય પૈસાને મહત્વ નથી આપ્યું માત્ર કામને જ મહત્વ આપ્યું છે. જો તમારુ કામ શ્રેષ્ઠ હશે તો પૈસા તો મળશે જ.   

કોમેડી કિંગની ઉપાધિ મળવનાર સંજય ગોરડિયા જણાવે છે કે, મારો ચહેરો, મારા હાવભાવ, મારી એક્ટિંગ બધુ કોમેડી જેવું છે એટલે લોકો મને કોમેડી કિંગ કહે છે. કોમેડી આપણા જીવનમાં મહત્વનો ભાગ ભજવે છે, પરંતુ સામાજીક સમસ્યાની વાતો કહેતાં નાટકો પણ એટલા જ જરૂરી છે. અને મેં એ બધા જ નાટકો કર્યા છે.

જો દિખતા હૈ વો બિકતા હૈ.. લોકો મને સામે જુએ છે એટલે કોમેડી કલાકાર તરીકે ઓળખે છે. પરંતુ મારી અંદર રહેલો ડાયરેક્ટર ખુબ જ ગંભીર નાટકો બનાવે છે.

મેં જેટલા પણ નાટકો કર્યા છે એ બધા જ મોટાભાગના કોમેડી છે. લોકોને એ નાટકો ગમ્યા છે અને મારું કામ ગમ્યુ છે. પરંતુ એક્ટિંગ કરતાં મારુ પ્રોડ્યુસરનું કામ વધુ મોટું છે. મેં 95 જેટલા નાટકો પ્રોડ્યુસ કર્યા છે. જેમાં મોટાભાગના નાટકો સમાજને સંદેશ આપતાં હોય તેવા બનાવ્યા છે. બેટી બચાવો જેવી થીમ ઉપર પણ નાટક બનાવ્યા છે. એક નાટક હતુ ‘બા રિટાયર થાય છે’ તેમાં બાની ઉપેક્ષા કરવામાં આવે છે. બા રિટાયર થવા માટેનું એલાન કરે છે અને ત્યાર બાદ ઘરમાં જે સ્થિતિ ઉભી થાય છે તેનો ઉલ્લેખ છે આ નાટકમાં. આ નાટકના થોડાક દિવસ બાદ મેં ‘બા એ મારી બાઉન્ડ્રી’ નામનું બીજુ નાટક કર્યું હતું. તેમાં પણ બા ઉપેક્ષિત હતા. ત્યાર બાદ મેં અલ્ઝાઈમર પર એક નાટક કર્યું ‘ભારતીબેન ભુલ્યા પડ્યા’. મેં જોયું કે, સમાજમાં અલ્ઝાઈમરની બીમારી બહુ ઝડપથી વિસ્તરી રહી છે. દર ચોથા ઘરમાં આ સમસ્યા જોવા મળી રહી છે. આ નાટકનો ક્લાઇમેક્સ ખુબ જ સુંદર છે. ઘરના લોકોને એક પ્રસંગમાં જવાનું હોય છે અને બાને સાંકળે બાંધવા પડે છે ત્યારે દિકરાની જે મનોદશા હોય છે તેને આ નાટકમાં ખુબ જ અદભૂત રીતે દર્શાવવામાં આવી છે. ‘પપ્પા મારા પ્રાઇમ મિનિસ્ટર’ નાટક પણ ખુબ જ અદભૂત હતું. જેમાં એક પિતા વર્ષો સુધી વિદેશ રહીને પૈસા કમાય છે અને જ્યારે તે પાછા ફરે છે ત્યારે ઘરના લોકો તેને ભુલી ગયા હોય છે. આ નાટક આપણા આજના સમાજની સ્થિતિને દર્શાવે છે.

સંજય ગોરડિયાએ તેમના જીવનના સૌથી શ્રેષ્ઠ નાટકો વિશે વાત કરતાં કહ્યું કે, બે નાટકો મારા દિલની સૌથી નજીક છે. એક છે ‘બા રિટાયર્ડ થાય છે’. આ નાટક મારા જીવનનું પ્રથમ નાટક હતું જે સુપરહીટ રહ્યું હતું. આ નાટક ચાલતુ હતું ત્યારે મારુ ઘર થયું, મારા લગ્ન થયા મારો દિકરો થયો. એટલા માટે આ નાટક મારા દિલની નજીક છે. બીજુ નાટક છે ‘છેલ છબીલો ગુજરાતી’. મારા બધા જ કોમેડી નાટકો એક તરફ અને છેલ છબીલો ગુજરાતી નાટક એક તરફ રાખો તો આ નાટક બધા પર ભારે પડે.

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશો વાત કરતાં સંજય ગોરડિયાએ જણાવ્યું હતું કે, મેં ક્યારેય કોઈ ફિલ્મ પ્રોડ્યુસર પાસે કામ માંગ્યુ નથી. મને સામેથી ઓફર આવી હતી અને મેં સ્વીકારી લીધી. મેં ક્યારેય ફિલ્મ ક્ષેત્રને ગંભીરતાથી લીધુ નથી. ગુજરાતીમાં મેં માત્ર એક જ ફિલ્મ કરી છે ‘વેન્ટિલેટર’. જોકે ત્યાર બાદ મને ઘણી ફિલ્મોની ઓફર થઈ હતી પરંતુ કોઈ વખત સ્ક્રિપ્ટ સારી ન હોય, કે પછી પ્રોડ્યુસર કે ડિરેક્ટર બરાબર ન હોય, આજુબાજુના કલાકારો બરાબર ન હોય.

બાયોપિકમાં કામ કરવા અંગે સંજય ગોરડિયાએ જણાવ્યું હતું કે, વિનોદ ભટ્ટ કે તારક મહેતાની જો બાયોપિક બને છે તો હું તેમનું પાત્ર ભજવવાની ઈચ્છા રાખીશ. કારણ કે આ બંને ખુબ જ સારા હાસ્યરસ લેખક છે. આ બંને ખુબ જ સારુ લખતાં.

અંતે તેમણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના નવા કલાકારોને સંદેશ આપતાં જણાવ્યું હતું કે, ‘હું આટલી ઉંમરે પણ કામ શીખી રહ્યો છું. તેથી તમે પણ હંમેશા શીખતા રહો.‘

RELATED ARTICLES

Most Popular

Recent Comments