Thursday, November 21, 2024
HomeCine Specialનેશનલ એવોર્ડ વિનીંગ મુવી હેલ્લારોનાં મેકિંગ અનુભવો શેર કર્યા જાગૃતિ ઠાકોરે

નેશનલ એવોર્ડ વિનીંગ મુવી હેલ્લારોનાં મેકિંગ અનુભવો શેર કર્યા જાગૃતિ ઠાકોરે

ભારતની 475 ફિલ્મોને પછાડીને શ્રેષ્ઠ ફિચર ફિલ્મનો એવોર્ડ જીતનાર ગુજરાતની ‘હેલ્લારો’ ફિલ્મે ગુજરાતને ગૌરવ અપાવ્યું છે.  આ ફિલ્મ હજુ સિલ્વર સ્ક્રિન પર રિલીઝ થઈ નથી. પરંતુ હેલ્લારોમાં અભિનય કરનાર જાગૃતિ ઠાકરે અમારી સાથે ફિલ્મ મેકિંગની સ્ટોરીના અનુભવો શેર કર્યા હતા.

હેલ્લારો ફિલ્મ વિશે વાત કરું તો લગભગ ફેબ્રુઆરી મહિનામાં અભિષેક શાહને ત્યાંથી મને આ ફિલ્મ માટેની ઓફર આવી. જેમાં મને એક્ટિંગ અને ગરબા વિશે પુછવામાં આવ્યું. ત્યાર બાદ અભિષેક શાહે મારી સાથે વાત કરી અને ફિલ્મની વાર્તા સમજાવી. આ ફિલ્મમાં કચ્છનાં આંતરિયાળ ગામની વાત કરવામાં આવી છે. 1975નાં સમયમાં કચ્છમાં ખૂબ આંતરિયાળ ગામમાં રહેતી સ્ત્રી માટે પોતાની લાગણી વ્યક્ત કરવાનું કોઇ માધ્યમ ન હતું. પાણી ભરવું અને પોતાના પતિ સીવાય બીજા કોઇ જોડે વાત ન કરવી એ જ તેમનું જીવન હતું. સ્ત્રીઓ ત્યાં ભરત કામ પણ ન કરી શકે. આવી સ્ત્રીઓનાં અંતરની વાત બહાર લાવવામાં કોઇ એક ઘટના કે વ્યક્તિ નિમિત બને અને પરિવર્તનનો દોર શરૃ થાય એ જ આ ફિલ્મનું કથાનક છે. હેલ્લારોનો અર્થ થાય છે દિલનાં ઉંડાણમાં દરબાયેલી લાગણીને મળતો જોરદાર ધક્કો. આ ગુજરાતી ભાષાનો તળપદો શબ્દ છે.

આ ફિલ્મમાં 12 જેટલી સ્ત્રીઓ અને એક બાળ કલાકાર એમ 13 વ્યક્તિઓની વાત કરવામાં આવી છે. આ ફિલ્મનું શુટીંગ 32 દિવસ ચાલ્યું હતું. જે કચ્છનાં અંતરિયાળ વિસ્તારમાં કરવાનું હતું. ત્યાં અમે સેટ તરીકે એક આખું ગામ બનાવ્યું હતું. અમારી વર્કશોપ શરૃ થઇ અને અમને જે ઘર આપ્યા હતાં ત્યાં અમને લઇ જવામાં આવતા. ત્યાં અમે અમારી જાતે ઘર લિંપ્યા છે, છતો પર ઘાંસ નાંખ્યા છે, બાવળીયા ભરાવ્યા છે, ઓટલા પણ બનાવ્યા છે. સાથે સાથે વર્કશોપનાં ભાગ રૃપે અમારે માથે માટલા મુકી છુટા હાથે ચાલવાનું હતું જેનાથી દરેક એક્ટ રીયલ લાગે. એવી રીતે અમે દરરોજ રણમાં 4 કિલોમીટર માથે માટલા મુકીને ચાલતા હતા. પહેલા અમને માટીના ઘડા આપવામાં આવતા હતા પછી પિત્તળનાં જેમાં પાણી ભરેલું હોય. આવી રીતે અમારી બોડી લેગ્વેજની પ્રેક્ટીસ કરાવી હતી.

આ ફિલ્મ  ગુજરાતી ભાષામાં જ હતી પરંતુ તેમાં કચ્છી લહેકો આવે તે માટે અમને ટ્યુટર પાસે ખાસ ટ્રેનિંગ અપાવામાં આવી હતી. પુરેપરા કચ્છી લુક અને છુંદણાં વગેરે મેકઅપમાં અમને ઘણો સમય જતો હતો. તે માટે અમે લગભગ 2.30 વાગ્યે ઉઠી જતાં અને ત્યાંથી અમને શૂટીંગનાં સ્થળે પહોંચતા 6.30 થતાં હતાં. 7 વાગ્યાથી શૂટીંગ શરૃ થાય તો 11.30 એ ગરમીથી અમારા પગ દાઝવા લાગે અને તેના પરથી અમને ખ્યાલ આવે કે 11 વાગ્યા છે. પછી બીજો બ્રેક થાય અને 3,30 થી 6 વાગ્યા સુધી બીજું શૂટીંગ થાય. અમે  45 ડીગ્રી ગરમીમાં ખુલ્લા પગે ગરબા કર્યા છે. જેનાથી વાસ્તવીકતા ખરેખરી છતી થાય. કેટલાય કાટાં અમને વાગેલા છે. શૂટીંગ ચાલુ હોય અને અમારા ચણીયામાં કાટાં ભરાઇ ગયેલા હોય પણ ફાયનલ કટ આપવાનો હોય એટલે કંઇ જ રીએક્ટ ના થવાય. ઘુંટણથી પાની સુધી ઘણાનાં પગ છોલાઇ ગયેલા હતાં. મોજડીની અંદર પણ કાંટા વાગ્યા હતા. અમે જ્યાં રહેતાં હતાં , કામ કરતાં હતા ત્યાં વિછીં ફરતા હોય. આવી પરિસ્થિતિઓમાં અમે આ ફિલ્મનું શુટીંગ કર્યું હતું. ત્યારે જ અમને ખબર હતી કે અમે કંઇક શ્રેષ્ઠ કરી રહ્યા છીએ. જોકે અમારી ટીમના સાથ અને સહકારને કારણે કોઈપણ મુશ્કેલ કાર્ય મોટું નહોતું લાગતું. અંતમાં હું તો એટલું જ કહીશ કે પ્રામાણીકતા, ધગશ અને મહેનતથી કામ કરશો તો સફળતા ચોક્ક્સ સામે ચાલીને આવશે. 

  • રૂતુલ સુથાર      
RELATED ARTICLES

Most Popular

Recent Comments