તમારા કુટુંબ સાથે આવો અમારા ‘કુટુંબ’ને મળવા: વિક્રમ ઠાકોર

    0
    120

    ગુજરાતી ફિલ્મોમાં કહેવાય છે કે હાલમાં અર્બન અને રુરલ એવા બે વિભાગ પડી ગયા છે. પરંતુ આ રક્ષાબંધને રજુ થઇ રહેલી એક ફિલ્મ છે કુટુંબ. જે કહી રહી છે ના અર્બન કે ના રુરલ આ પારિવારીક ફિલ્મ છે. જે દરેક કુટુંબ એક સાથે બેસી, જોઇ શકશે અને તેને માણી શકશે. આ ફિલ્મના અભિનેતા વિક્રમ ઠાકોર સાથે થયેલી ખાસ વાતચીતનાં અંશો…

          મારું બાળપણ ગાંધીનગરમાં પસાર થયું છે. બાળપણમાં મને વાંસળી વગાડવાનો શોખ હતો. મારા પિતા સંતવાણી કરતા હતા ત્યારે હું તેમની સાથે વાંસળી વગાડવા જતો હતો. ધીમે ધીમે હું અલગ અલગ વાજીંત્રો જેવા કે બેન્જો, કીબોર્ડ વગેરે વગાડતા પણ શીખતો ગયો. થોડા સમય પછી અમે એક ગ્રુપ બનાવ્યું અને વિવિધ પ્રોગ્રામ કરવાનાં શરૂ કર્યા. હું લગભગ 20 વર્ષનો હતો ત્યારે અમે ગરબાની રમઝટ નામનો આલ્બમ બહાર પાડ્યો જે ખૂબ જ લોકપ્રિય થયો હતો. ત્યાર બાદ એક પછી એક મારા આલ્બમ લોકોમાં ખૂબ જ લોકપ્રિય થવા લાગ્યા અને મારા ચાહકો મને પ્રસિધ્ધનાં શિખરે લઇ જવા લાગ્યા. એ દરમિયાન 2006માં મને મારી પ્રથમ ફિલ્મ મળી ‘એક વાર પિયુને મળવા આવજે’. એ સમયે મણીરાજ બારોટ સૌથી વધારે પ્રચલિત હતા. ડાયરેક્ટર હરસુખભાઈ પટેલ મળવા આવ્યા અને તેમણે મને ફિલ્મોમાં કામ કરવા પ્રોત્સાહિત કર્યો. આ રીતે મારી ફિલ્મી સફરની શરૂઆત થઈ. તે સમયે હિતેન કુમાર, ફિરોઝ ઇરાની, જૈમીની ત્રિવેદી જેવા દિગ્ગજ કલાકારો હતા અને હું નવોદિત હતો. પરંતુ તેમણે મને ખૂબ જ સાથ આપ્યો.

    મારા પરિવારમાંથી મને હંમેશા સાથ સહકાર મળ્યો છે. કોઇ દિવસ મારી પત્ની તારાએ મને કોઇ જાતની ફરિયાદ નથી કરી. કારણ કે આટલા વ્યસ્ત કામના શિડ્યુલમાં પરિવાર અને કામની વ્યસ્તતા વચ્ચે ટાઇમ મેનેજમેન્ટ ઘણું અઘરું બની જાય છે. પરંતુ મને હંમેશા ખૂબ જ સારા ડાયરેક્ટર અને પ્રોડ્યુસર મળ્યા છે. જેઓ મારા શો ટાઇમ અને શુટીંગ ટાઇમને ખૂબ જ વ્યવસ્થિત રીતે મેનેજ કરીને મને સહકાર આપે છે. મોટા ભાગે હું મારા ગીતોમાં સોશિયલ મેસેજ વધારે આપું છું જેવા કે ‘બેટી બચાવો, વ્યસન મુક્તી’ વગેરે.. હું જે ગીતો ગાઉ છું તે અલગ અલગ ગીતકારો લખે છે. પરંતુ મારું મનગમતું એક ગીત છે ‘દિકરી મારી તુલસીનો ક્યારો’, આ ગીત ગુજરાતી ફિલ્મ જગતનાં હાસ્ય કલાકાર જીતુ પંડ્યાએ લખ્યું છે. મેં હજારોથી વધારે સ્ટેજ પર્ફોમન્સ આપ્યા છે અને આશરે 27થી વધારે ફિલ્મો કરી છે. બાપોદરા સાથે કરેલી મારી ફિલ્મ ‘દુનિયા જલે તો જલે’ને 2016માં જિફા તરફથી સૌથી વધારે વ્યુઅરશીપનો અર્વોડ મળ્યો છે. ‘મા-બાપના આર્શીવાદ’, ‘એક રાધા એક મીરા’, ‘રાધા તારા વિના ગમતું નથી’, ‘પ્રિત જનમોજનમની ભુલાશે નહી’, ‘અવતાર ધરીને આવું છું’ જેવી ફિલ્મોને ખૂબ જ લોકચાહના મળી છે.

    મને ઘરનું ભોજન વધારે પ્રિય છે. મારો શોખ મ્યુઝીક જ છે અને મને દરેક પ્રકારનું સંગીત સાંભળવું ખૂબ જ ગમે છે. મને આરામદાયક હોય તેવા ટ્રેડીશનલ, ઇન્ડોવેસ્ટન કે વેસ્ટન દરેક પ્રકારનાં આઉટફીટ્સ પહેરવા ગમે છે. મારી આવનારી ફિલ્મ ‘રખેવાળ’ છે જેનું આ જ મહિનાથી શૂટીંગ શરૂ થવાનું છે. આ સિવાય બીજી ફિલ્મો પણ મેં સાઇન કરી છે. થોડા સમયમાં મારૂ યુટ્યુબ સોંગ પણ લોંચ થવાનું છે.

    આ રક્ષાબંધને મારી એક નવી ફિલ્મ રિલીઝ થઈ છે ‘કુટુંબ’. બાપોદરા સાથે મારી આ બીજી ફિલ્મ છે. મારી આ ફિલ્મ બીજી ફિલ્મો કરતા એકદમ અલગ છે. આ ફિલ્મ સંગીતમય(મ્યુઝીકલ ફિલ્મ)છે. જેના કથાનકની વાત કરુ તો એક દિકરી, બહેન, એક પ્રેમીકા, એક માતા, એક મિત્ર આમ એક સ્ત્રીનાં તમામ સ્વરૃપો તમને આ ફિલ્મમાં જોવા મળશે. સ્ત્રી સશક્તિકરણની વાત રજુ કરતી આ ફિલ્મમાં દીકરીની ઇચ્છા કે જીદ પોતાનું કુટુંબ પુરું કરવાની છે. આ માટેની તેની સફર, તેનાં સંઘર્ષ, તકલીફો દરેકનો સામનો કરી પોતાના પરિવારને એક કરે છે. આ ફિલ્મમાં મારી ગાયકીના અનેરા સ્વરુપો તમને જોવા મળશે. આ ફિલ્મમાં મે પ્રથમવાર ગઝલ ગાઇ છે. જે અનુભવ મારા માટે નવીન અને અવિસ્મરણીય રહ્યો. આ ફિલ્મની બીજી વિશેષતા એ છે કે ફિલ્મનો ક્લાઇમેક્સ એક્શન નહીં પણ ઇમોશનલ છે. ગુજરાતી લોક સંગીતનાં ભાગ ગણાંતા ફટાણા, ટીમલી, ડાકલા જેવા પરંપરાગત ગીતોની સાથે બદલાતા પરિવર્તનનાં ભાગરૂપ ગુજરાતી રેપ સોંગ અને ગઝલ પણ દર્શકોના દિલને જીતી લેશે એવી સંગીતમય ફિલ્મ છે. આ ફિલ્મને યુ સર્ટિફીકેટ મળ્યું છે.

    આ ફિલ્મમાં મારી સાથે પ્રિનલ ઓબરોય અને આકાશ શાહ એક્ટીંગ કરતા જોવા મળશે. આકાશ શાહ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મ્યુઝીક ડાયરેક્ટર તરીકે ઘણું જાણીતું નામ છે. તેમણે અનેક ફિલ્મોમાં મ્યુઝીક અને બેકગ્રાઉન્ડ સ્કોરઆપ્યા છે. હું અને પ્રિનલ આશરે નવ વર્ષ પછી ફરી એક વાર એક સાથે કામ કરીએ છીએ. આ ફિલ્મની હજી એક ખાસીયત જણાવી દઉં. બેંગલોરથી સ્ટંટ કીંગ થ્રીલર મંજુ આ ફિલ્મનાં એક્શન માટે આવ્યા હતા. આ ફિલ્મનું સંગીત મૌલીક મહેતાએ આપ્યું છે. ફિલ્મની સૌથી નાની અમારી સદસ્ય શ્રેયાંશી બારોટ જેને બધા ટુન્નીથી ઓળખે છે તેના અભિનયથી હું સૌથી વધારે પ્રભાવિત થયો છું. આ ફિલ્મનું શૂટીંગ ગુજરાત અને મુંબઇમાં થયું છે. આ ફિલ્મની સાથે જોડાયેલા મારા એક યાદગાર પ્રસંગની વાત કરૂ તો અમારા ડાયરેક્ટર બાપોદરા સર કામ બાબતે ઘણાં પરફેક્ટનિસ્ટ સ્વભાવનાં છે. તેઓ પોતાના દરેક પ્રોજેક્ટ કે ફિલ્મને પોતાના બાળકની જેમ માવજત કરે છે અને કોઇ પણ કચાશ ન રહે તેનું દરેક તબક્કે ધ્યાન આપે છે. એક સીન હતો જેમાં મારે એક ખાસ કોશ્ચ્યુમ પહેરવાનો હતો . આશરે 45 કે 46 ડીગ્રી ગરમીમાં મારે ધાબળાનું કોશ્ચ્યુમ પહેરીને હેવી બીયર્ડ અને મુછ સાથે એક્શન કરવાની હતી. જે ઘણું અઘરું પડ્યું હતું, કારણ કે ગરમીમાં ડિહાઇડ્રેશન વધે તો તમારે એટલું જ પાણી વધારે લેવું પડે.

    અંતમાં હું એટલું જ કહેવા માગું છું કે જે પ્રેમ અને સાથ મને તમે અત્યાર સુધી આપીને મારી દરેક ફિલ્મોને સફળ બનાવી છે તે જ પ્રેમ અને સાથ અમારા ‘કુટુંબ’ને પણ આપજો.

    • રૂતુલ સુથાર