Movie Review – મિજાજ, મસ્તી,એકશન અને ઈમોશનનો સુભગ સમન્વય

0
22

ગુજરાતી એકશન થ્રિલર ઓ તારી થકી દિગ્દર્શનનાં ક્ષેત્રમાં ઝંપલાવનાર સિનેમેટોગ્રાફર તપન વ્યાસની બીજી ગૂજરાતી ફિલ્મ મિજાજ રૂપેરી પડદે આવી

ઈંડિયા લોજની આસપાસ આકાર લેતી આ વાર્તાનું દરેક પાત્ર દમદાર છે.વાત હોય ઈંડિયા લોજની માલકણ સરિતાબેન કે પછી શહેરનો કુખ્યાત ગુંડો બી.પી દરેક પાત્ર ધ્યાનાકર્ષક અભિનય કરે છે.

ઈંડિયા લોજ એક રેન બસેરો છે જ્યાં કેટલાક લોકો ભાડુ ભરીને રહે છે.ઈંડિયા લોજમાં રહેવા વાળામાં યોગેશ,જય અને જ્હાનવી છે.જે ફિલ્મનાં યુવા પાત્રો છે.યોગેશ એક ગુસ્સેલ યુવક છે જ્યારે જય મસ્તમોલા છે અને જ્હાનવીમાં આ બંનેના સ્વભાવનો સમન્વય છે.

યોગેશની નોકરી ગ્રામ્ય વિસ્તારોની લાઈટ સમાન છે જે આવતી જતી રહે છે.જ્હાન્વી વકીલાતનો અભ્યાસ કરી રહી છે.જ્યારે જય આખી ફિલ્મનાં ટી સ્ટોલ અને ખાવાની લારી પર જોવા મળે છે.

શાંત અને ખુશમિજાજ સરિતાબેન આ ત્રણેયનું સંઘર્ષપૂર્ણ જીવનનાં સાક્ષી છે એટલે સમયસર ભાડુ ન ભરવા છતા પણ તે આ ત્રણેયને લોજમાં રહેવાની પરવાનગી આપે છે.

અચાનક ઈંડિયા લોજ પર એક વિદેશી નાગરિક હેનરીની નજર પડે છે.જે ઈંડિયા લોજને ખરીદવા ઈચ્છે છે.પરંતુ પોતાની વડીલોપાર્જીત મિલકત ઈંડિયા લોજને સરિતાબેન વેચવા ઈચ્છતા નથી.આ દરમિયાન જય,યોગેશ અને જ્હાન્વીની ત્રિપૂટી ઈંડિયા લોજનાં નિતી નિયમો અને સરિતાબેનનાં દિલને તોડી નાખે છે.

ઈંડિયા લોજને હસ્તગત કરવા હેનરી સ્થાનિક ગુંડા બીપીની મદદ લઈ નીતનવા હથકંડા અપનાવે છે.પરંતુ સરિતાબેન જીવનાં ભોગે પણ ઈંડિયા લોજને વેચવા તૈયાર નથી.આ કશમકશની આસપાસ ફિલ્મ કેન્દ્રીત છે.

સરિતાબેનનાં પાત્રમાં તેજસ્વી મુખારવિંદ ધરાવતી છાયા વોરા છવાઈ જાય છે.વ્યકિતગત જીવનમાં સાહિત્યકાર જેવા લાગતા મલ્હાર ઠાકરે જયનાં મસ્તમોલા પાત્રને બખુબી નિભાવ્યુ છે.રેવંત સારાભાઈ ગુસ્સેલ અને ઈમાનદાર યુવકનાં પાત્રમાં બરાબર જામે છે.જ્હાન્વીનું પાત્ર ભજવતી ઈશા કંસારાએ ગંભીર અને એકશન સીનમાં જોરદાર અભિનય કર્યો છે.

જયની પ્રેમિકા બનેલી કાજલનો અભિનય પણ ધ્યાન ખેંચે છે.અભિનવ બેંકરનાં અભિનયની પણ પ્રશંસા કરવી જ ઘટે.ગીત ગાવાના શોખીન અને ડરામણું હાસ્ય કરતા અભિનવ બેંકરે ગુંડાના પાત્રમાં જીવ રેડી દીધો છે.સરિતાબેનનાં દિકરા બનેલા જયેશ મોરે એ પણ શાનદાર અભિનય કર્યો છે.

પરવીન પંડ્યા લિખીત મિજાજની કથા થોડીક જૂની છે.પણ ફિલ્મ મિજાજની પટકથા એકદમ તાજી લાગે છે.આ ફિલ્મનાં સંવાદો પર ખાસ્સુ ધ્યાન આપવામાં આવ્યુ છે.લેખકની મહેનત ઉડીને આંખે વળગે છે.સિનેમેટોગ્રાફી સાથે સાથે દિગ્દર્શનની જવાબદારી નિભાવતા તપન વ્યાસે આ બેવડી જવાબદારી ખૂબ નિભાવી છે.

આ સિવાય ફિલ્મનું બેકગ્રાઉંડ મ્યુઝિક પણ સરસ છે.ફિલ્મમાં મલ્હાર ઠાકર હોય અને રોમાન્સ ન હોય એવું તો બને જ નહી એટલે કાજલ અને મલ્હારનું એક રોમેંટીક સોંગ પણ ખાસ્સુ લોકપ્રિય બન્યુ છે.

જો કે કેટલાક સીન નાટકીય અને અવાસ્તવિક લાગી શકે પણ દિગ્દર્શકને એટલી છુટ તો હોવી જોઈએ જેના દ્વારા તે પોતાની કલ્પના રૂપેરી પડદે ઉતારી શકે.

જો તમે આ ફિલ્મ મનોરંજન માટે જોવા માગંતા હોય તો આ ફિલ્મ આદર્શ છે કેમ કે મારઘાડ વાળા સીન અને આંખોમાં અશ્રુધારા વહાવતા સીન હદયને સ્પર્શી જાય છે.

  • કુલવંત હૈપી, અનુવાદ : કૌશિક સિંધવ