Movie Review : રેવા – આધ્યાત્મ અને પ્રેમનો અનોખો સંગમ છે, 100 ટકા જોઈ શકાય તેવું

0
74

ધ્રુવ ભટ્ટની ગૂજરાતી નવલકથા તત્વમસી પર આધારિત આ ફિલ્મ નર્મદા કિનારે રહેતા લોકોની શ્રધ્ધા અને રોજીંદા જીવનનાં સંઘર્ષને આબેહુબ દર્શાવે છે.ઉપનિષદનાં ઘોષ સમાન આ ફિલ્મમાં તત્વમસી એટલે કે એ તૂં જ છે ની આધ્યાત્મિક પ્રક્રિયાને જીવન રૂપાંતર કરનારાં તત્વજ્ઞાનનાં સ્વરૂપે નાયકનું જીવન દર્શાવે છે.

ફિલ્મની વાર્તાનું કેન્દ્ર કરણ નામનો એક યુવાન છે. જે વિદેશોમાં જ ભણ્યો-ગણ્યો તથા મોટો થયો છે.આ યુવાનની જીવનશૈલી પાશ્ચાત્ય છે અને ભૌતિક સૂખો ભોગવવા તમામ સૂવિધાઓ તેની પાસે ઉપલબ્ધ છે.એક દિવસ સવારે ઉઠતાની સાથે જ કરણને ખબર પડે છે કે તેના દાદાનો સ્વર્ગવાસ થયો છે અને તેમની તમામ મિલકત ભારતનાં નર્મદા કિનારે સ્થિત એક આશ્રમને દાનમાં આપી દેવામાં આવી છે.

અચાનક અકિંચન અને નિર્ધન બનેલા કરણનાં પગતળેથી આ ફરમાન સાંભળી જમીન સરકી જાય છે.પરંતુ આ વસિયતનાં વીલમાં એક એવી જોગવાઈ રાખવામાં આવી હતી જેમાં કરણને જો આ મિલકત જોઈતી હોય તો તેને નર્મદાનાં તીરે વસેલા આશ્રમમાં જવું અને આ આશ્રમનાં ટ્રસ્ટીઓની સહી લેવી કે આ તમામ ટ્રસ્ટીઓને કરણની વર્તુણકથી સંતોષ છે અને આ તમામ ટ્રસ્ટી જો સહી કરે તો જ કરણને તેની વડીલોપાર્જીત મિલકત પાછી મળે.ભારત પોતાની મિલકત માટે આવેલો કરણ બિલકુલ નહોતો ઈચ્છતો કે દસ્તાવેજ પર સહી કરાવવા તે આશ્રમ પહોંચ્યો છે તેની આશ્રમનાં ટ્રસ્ટીઓને જાણ થાય.

જો કે આશ્રમનાં વસવાટ દરમિયાન ધીરે ધીરે કરણની પોલ ખુલવા લાગે છે.એક તબક્કો તો એવો આવે છે કે કરણને તમામ ટ્રસ્ટીઓની સહી મળી જાય છે.પરંતુ નાટ્યાત્મક ઠબે એવો બનાવ બને છે કે સહી વાળો એ દસ્તાવેજ આગમાં બળીને ખાક થઈ જાય છે.અને આ ઘટના બાદ કરણનું જીવન બદલાઈ જાય છે.

રાહુલ ભોલે અને વિનોદ કનોજીયાની દિગ્દર્શક બેલડીનું દિગ્દર્શન કાબિલેતારિફ છે.ફિલ્મનાં દરેક પાસાં પર બરાબર ધ્યાન આપવામાં આવ્યુ છે.ફિલ્મમાં ગતિ બનાવી રાખવા માટે ચિત્તાકર્ષક સંવાદોની ફિલ્મમાં ભરમાર છે.ફિલ્મનું એડીટીંગ પણ બેહતરિન રીતે કરવામાં આવ્યુ છે.

ફિલ્મનાં અદાકાર ચેતન ધાનાણીનો ગેટ અપ દક્ષિણનાં સૂપરસ્ટાર સૂર્યાને મળતો આવે છે.આ કારણે દર્શકોને ચેતન ધાનાણી ચિતપરિચિત ચહેરો લાગે છે.ચેતને તેના પાત્રને પૂરતો ન્યાય આપ્યો છે.

ફિલ્મની હિરોઈન મોનલ ગજ્જર પણ સૂપ્રિયાનાં પાત્રમાં સફળતાપૂર્વક ઢળી ગઈ છે.મોનલ ગજ્જર દક્ષિણ ભારતીય ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.તેના દેખાવમાં દક્ષિણ ભારતીય અભિનેત્રીઓ જેવી મોહકતા રેવામાં પણ જોવા મળે છે.ગોળમટોળ ચહેરો અને મોટી મોટી આંખોવાળી સૂપ્રિયાનું હાસ્ય આકર્ષક છે.ફિલ્મનાં સંવેદનાત્મક દશ્યોમાં પણ મોનાલનો અભિનય હદયસ્પર્શી છે.

અભિનવ બેંકર અને અતૂલ મહાલેનની જોડીએ બિત્તુ બંગાનાં પાત્રને રૂપેરી પડદે જીવંત બનાવી દીધુ છે.બંનેની તાદાત્મયતા અને આત્મિયતા પ્રભાવક છે.દયા શંકર પાંડેએ ઝંડુ ફકીરનાં પાત્રને સહજ અભિનય દ્વારા બરાબર નિભાવ્યુ છે.દયા શંકર પાંડે જ્યારે તેમની ચિત્રવિચિત્ર ભાષામાં વાત કરે છે ત્યારે દર્શકો તેમનું હસવું રોકી શકતા નથી.ભૂરિયાનાં પાત્રમાં રૂપા બોરગાવકર પણ દર્શકોનું ધ્યાન ખેંચવામાં સફળ રહી છે.

આ સિવાયનાં ફિલ્મના અન્ય પાત્રોનો અભિનય પણ પ્રશંસનીય છે.ફિલ્મની સિનેમેટોગ્રાફી ગજબની છે.જો કે ફિલ્મનું ગીત સંગીત સાધારણ કક્ષાનું છે.

નર્મદાનાં કિનારે આ ફિલ્મમાં પ્રેમ અને આધ્યાત્મ સમાંતર વહે છે.ફિલ્મનાં સંવાદો સ્વચ્છ અને પ્રેરણાદાયી છે.ફિલ્મ રેવા ધર્માંધતા પર કટાક્ષ કરે છે તો સાથે સાથે શ્રધ્ધા પણ જન્માવે છે.

આધૂનિક ગૂજરાતી સિનેમામાં રેવા જેવી ફિલ્મ બનાવવી સાહસિક કાર્ય છે.ખાસ કરીને જ્યારે ગૂજરાતી સિનેમામાં દ્રીઅર્થી સંવાદ અને યુવાલક્ષી ફિલ્મોનાં નિર્માણની ભરમાર હોય.

  • કુલવંત હૈપી, અનુવાદ : કૌશિક સિંધવ